દ્વારકાધીશને ધજા ચડાવવાનો કાર્યક્રમ યોજી વડોદરા શહેર ભાજપ પ્રમુખ રીપીટ થવાની શક્યતા હોવાથી એકતા કે શક્તિ પ્રદર્શન?
Vadodara : વડોદરા ભાજપના શહે૨ પ્રમુખ દ્વારા તા.19મીએ દ્વારકા ખાતે દ્વારકાધીશ ભગવાનના મંદિર પર ધજા ચડાવવામાં આવનાર છે ત્યારે ભાજપના કોર્પોરેટરો અને વોર્ડના પ્રમુખોને સાથે રાખી સંઘ સ્વરૂપે આજે સાંજે રવાના થશે. ત્યારે પ્રમુખ પોતાનું શક્તિ પ્રદર્શન બતાવવા ધાર્મિક કાર્યક્રમનો પ્રવાસ યોજવામાં આવ્યો છે તેમ કાર્યકર્તાઓમાં ચર્ચાઇ રહ્યું છે.
ભાજપના શહેર પ્રમુખપદે ડૉ.વિજય શાહની નિમણુંક થયા બાદ અવારનવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠન આમને સામને આવતુ રહ્યું છે. કેટલીકવાર તો શહેરમાં સંગઠન સર્વોપરીના બોર્ડ પણ લાગ્યા હતા તો સ્થાયી સમિતિમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કામ મંજુર કરાવી તેઓ સર્વોપરી હોવાનું પણ પ્રસ્થાપિત કર્યું હતું. હવે નવા પ્રમુખ માટે કવાયત ચાલી રહી છે. ત્યારે ડૉ.વિજય શાહ રિપિટ થાય તે માટે તેઓએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફરી વિશ્વાસમાં લેવા અંગત મુલાકાત કરી રહ્યા છે ત્યારે બીજીબાજુ દ્વારકા ખાતે મંદિર પર ધજા ચડાવવાનો ધાર્મિક કાર્યક્રમ યોજી કાર્યકર્તાઓ અને કોર્પોરેટરોને સાથે લઇ જવા પાછળ પક્ષની એકતા પ્રદર્શિત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. તો તેમની વિરોધી લોબી શહેર પ્રમુખ રિપિટ થવા શક્તિ પ્રદર્શન કરી રહ્યાનું જણાવી રહ્યા છે.