ચૂંટણી પહેલાં ભાજપના ધારાસભ્યએ રાજીનામું ધરી દીધું, વડોદરામાં પક્ષ વિરોધી સૂર મોટા થયા
વડોદરામાં રંજનબેનને ટિકિટ મળતા જ શહેર અને જિલ્લા ભાજપમાં નારાજગી જોવા મળી
Gujarat Politics : લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે અને ગુજરાતમાં 7 મે 2024ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતની 26 લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ત્યારે વિધાનસભાની વડોદરા જિલ્લાની સાવલી બેઠકના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે આજે પોતાનું રાજીનામું ઈમેલ દ્વારા વિધાનસભા અધ્યક્ષ ને મોકલી આપતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે. દરમિયાનમાં આ રાજીનામું હજી સુધી અધ્યક્ષ એ સ્વીકાર્યું નથી તેમ પણ જાણવા મળે છે.
કેતન ઇનામદારે પોતાનું રાજીનામું અધ્યક્ષને ઇ-મેલ દ્વારા મોકલ્યું
વિધાનસભાની સાવલી બેઠકના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે અવારનવાર લોકોના પ્રશ્નો અધિકારીઓ ઉકેલ લાવતા નથીના આક્ષેપો કરી અગાઉ પણ રાજીનામું ધરી દીધું હતું અને ત્યારબાદ સમાધાન થતાં રાજીનામું પરત ખેંચી લીધું હતું આ વખતે ફરી એકવાર કેતન ઇનામદારે પોતાનું રાજીનામું અધ્યક્ષને ઇ-મેલ દ્વારા મોકલી આપી જણાવ્યું છે કે મારા અંતર આત્માના અવાજને માન આપીને ધારાસભ્ય પદેથી મારુ રાજીનામું મોકલી આપું છું.
અગાઉ પણ રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી
ધારાસભ્ય પદેથી કેતન ઇનામદારે ઇમેલથી રાજીનામું મોકલી આપ્યું છે જેથી રાજકીય મોરચે ચાલતી ચર્ચા પ્રમાણે તાજેતરમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા કુલદીપસિંહ રાહુલજીને પ્રદેશ પ્રમુખે ભાજપમાં એન્ટ્રી કરાવતા કેતન ઇનામદારે વિરોધ કર્યો હતો અને તે સમયે પણ રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી હતી ત્યારબાદ કુલદીપ સિંહની નિમણૂક ડભોઇ વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે કરવામાં આવતા તેને ધ્યાનમાં રાખીને આ વખતે રાજીનામું આપી દીધું હોવાનું માનવામાં આવે છે. સાથે સાથે હાલમાં ભાજપમાં જે રીતે લોકસભાના ઉમેદવાર રંજનબેનનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે તેમના સમર્થનમાં પણ તેમણે રાજીનામું આપ્યું હોવાનું માનવામાં આવે છે.
જૂના કાર્યકર્તાઓને માન સન્માન મળવું જોઈએ : કેતન ઈનામદાર
અત્રે યાદ આપવું જરૂરી છે કે, ભાજપના મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાએ નારાજગી વ્યક્ત કરી હતી જેથી પાર્ટીએ તેઓને ભાજપમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા જે બાદ ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામાંથી ભાજપમાં ચાલતી જૂથબંધી ફરી એકવાર જાહેર થઈ છે. દરમિયાનમાં કેતન ઇનામદારે વાતચીતમાં જણાવ્યું હતું કે આ મારો અવાજ નથી પરંતુ ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓનો અવાજ છે જુના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં ક્યાંક કચાશ લાગતી હતી પાર્ટીને મોટી કરવી જોઈએ પરંતુ જૂના કાર્યકર્તાઓને માન સન્માન મળવું જોઈએ લોકસભાની ચૂંટણી પૂર્વે આપેલા રાજીનામાં અંગે તેમણે જણાવ્યું કે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે લોકસભાની બેઠક માટે સાવલી વિસ્તારમાંથી સૌથી વધુ લીડ ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટને મળશે અને તે માટે તમામ કાર્યકર્તાઓ કાર્ય કરશે.
ઉલ્લેખનીય છે કે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સાવલી બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. જો કે આ બેઠક પર કેતન ઈનામદારને એક લાખ કરતા પણ વધુ મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારને 65,078 જ્યારે આપના વિજય ચાવડાને માત્ર બે હજાર જેટલા મત મળ્યા હતા.