ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસ: બુલડોઝર ન ફેરવી શકાયું તો પાલિકાએ આરોપીના ઘરનું પાણી-ડ્રેનેજ કનેક્શન કાપ્યું
Vadodara Bhayli Case Update: વડોદરાના ભાયલીમાં નવરાત્રિના બીજા નોરતે સામૂહિક દુષ્કર્મની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચારી મચાવી દીધી હતી. આ ઘટનાને લઈ લોકો આરોપીને ફાંસીની સજા તેમજ તેના ઘરને તોડી પાડવામાં આવે તેવી માગ કરી રહ્યાં છે. જોકે, સુપ્રીમ કોર્ટના આદેશના કારણે આરોપીના ઘરને તોડી પાડવામાં નહીં આવે. પરંતુ તંત્ર દ્વારા આરોપી મુન્ના બંજારાના ઘરનું પાણી તેમજ ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે.
પાણી-ડ્રેનેજ કનેક્શન કાપી નાંખ્યું
ભાયલી દુષ્કર્મના આરોપીના નિવાસને અગાઉ પાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. એકતા નગરમાં આરોપીએ ગેરકાયદે બાંધકામ કર્યું હોવાની વાત સામે આવી હતી. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે આરોપીઓનું ઘર નહીં તોડવાનો આદેશ આપ્યો હોવાથી હાલ પાલિકા દ્વારા આરોપી મુન્ના બંજારાના ઘરનું પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપવાની જ કાર્યવાહી કરી છે. આ વિશે કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે, મંજૂરી વિના કનેક્શન જોડવામાં આવશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
પ્રસાશન સામે બેવડા વલણના આરોપ
જોકે, ઘણાં લોકોએ તંત્રની કામગીરી એકતરફી હોવાના પણ આરોપ લગાવ્યા છે. દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે બળાત્કારના પ્રયાસ અને હત્યાના મામલે તંત્ર આટલું સતર્ક જોવા ન હતું મળ્યું. આ સિવાય પાટણમાં બળાત્કારની ઘટનામાં ભાજપ યુવા મોરચાનો મંત્રી પકડાયો હતો. રાજકોટના આટકોટ ખાતે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ પ્રકરણમાં ભાજપના પદાધિકારીની સંડોવણી ખુલી હતી. વડોદરામાં એક પરિણિતા પર ભાજપના કાર્યકરે બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ આરોપીના પણ ભાજપના ધારાસભ્ય સાથેના ફોટા રાજકીય કનેક્શનની ગવાહી આપી રહ્યા છે. ત્યારે આ તમામ કેસમાં બુલડોઝર એક્શન કે પાણી-વીજ કનેક્શન કાપવાની વાત સુધ્ધાં પણ ચર્ચામાં આવી ન હતી. ત્યારે આ મામલે તંત્રની બેવડી નીતિ સામે પણ સવાલ કરવામાં આવી રહ્યાં છે, કે શું કેસરિયો ખેસ પહેરવા માત્રથી આવા કડક એક્શનથી બચી શકાય છે?