પવનની ગતિ પ્રતિ કલાક પાંચ કિ.મી થતાં વડોદરા ઠંડુગાર બન્યું : હવે ઠંડી વધવાની શક્યતા
Vadodara Winter Season : જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને યુપીમાં હાર્ડ ધ્રુજાવતી ઠંડી સહિત બરફ વર્ષા થયાની અસર વડોદરામાં પણ જણાઇ છે. માત્ર 5 કિમી પ્રતિ કલાકની ગતિએ ફુકાતા પવનથી શહેર ઠંડુગાર બન્યું છે. જેથી શિયાળાની ઋતુનો ખરો આરંભ હવે થયો હોવાનું લાગે છે જોકે ન્યુનતમ તાપમાનનો પારો પણ ગઈકાલ કરતા 0.4 અંશ સેન્ટિગ્રેડ ઓછો રહીને આજે 14 અંશ રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે દિવાળી નવા વર્ષથી જ ઠંડીની ઋતુનો અહેસાસ થતો હોય છે. પરંતુ ગ્લોબલાઇઝેશન અને પર્યાવરણમાં થતા ફેરફારના કારણે ઋતુ ચક્રમાં પરિવર્તન આવ્યું છે. પોષ મહિનો શરૂ થવાને એક સપ્તાહ જેટલો સમય વીત્યો છે. છતાં હજી શિયાળાની ઋતુનો અહેસાસ થતો નથી. હાલમાં જમ્મુ-કાશ્મીર, દિલ્હી તથા યુપીમાં બરફ વર્ષા થયા બાદ ઠંડીનો અહેસાસ આજે વડોદરામાં થઈ રહ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ ગઈકાલે ન્યુનતમ તાપમાન 14.4 અંશ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું અને પવનની ગતિ પ્રતિ કલાક ચાર કિલોમીટરની રહી હતી. જેમાં આજે પવનની ગતિમાં માત્ર પ્રતિ કલાક એક કિલોમીટરનો વધારો થયો છે પરંતુ જમ્મુ, કાશ્મીર, યુપીમાં થયેલી બરફ વર્ષાની અસર વડોદરામાં જણાઈ હતી માત્ર એક કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ વધવા છતાં પણ ઠંડા પવન આજે શહેરમાં શરૂ થયા છે. આ ઉપરાંત ન્યૂનતમ તાપમાનનો પારો પણ ગઈકાલે રહેલા 14.4 અંશ સેન્ટિગ્રેડ કરતાં તાપમાન માત્ર 0.4 અંશ ઘટીને 14 અંશ ડિગ્રી સેલ્સિયસ થવા છતાં શહેર ઠંડુગાર બની ગયું છે. જેથી એવું કહેવાય છે કે શિયાળાની ઋતુનો ખરો અહેસાસ હવે થતા ઠંડી વધવાની શક્યતા નકારી શકાતી નથી.