વડોદરા: ભારત 2047 થીમ આધારિત શાળાના વિદ્યાર્થીઓએ પોતાની કલ્પનાના ભીંત ચિત્રો બનાવ્યા

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
વડોદરા: ભારત 2047 થીમ આધારિત શાળાના વિદ્યાર્થીઓએ પોતાની કલ્પનાના ભીંત ચિત્રો બનાવ્યા 1 - image


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અકોટા ખાતે આવેલી માં ભારતી પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 ના 26 બાળકો "ભારત-2047" થીમ પર શાળાની કમ્પાઉન્ડ વોલ પર પેઇન્ટિંગ કરી પોતાની કલ્પનાઓ ચિત્ર સ્વરૂપમાં રજૂ કરી રહ્યા છે. ગઈકાલથી પેઇન્ટિંગ કરવાનું શરૂ કરાયું છે. અને આજ સાંજ સુધીમાં ચિત્રો પૂર્ણ થઈ જશે વિદ્યાર્થીઓ દ્વારા આવા 30 ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. શાળાના આચાર્ય ધવલભાઇ પટેલના કહેવા મુજબ આ શાળાની કંપાઉન્ડવોલ નિર્જીવ હતી, પરંતુ બાળકોના ચિત્રના કારણે તે જીવંત બની ગઈ છે બાળકોએ વર્ષ 2047 માં ભારત કેવું હશે તેની કલ્પના દર્શાવતા ચિત્રો બનાવ્યા છે. 

અમદાવાદ અને વડોદરા વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હાલ બની રહ્યો છે, પરંતુ એક બાળકે એવું ચિત્ર તૈયાર કર્યું છે કે વર્ષ 2047 માં પૃથ્વીથી ચંદ્ર વચ્ચે બુલેટ ટ્રેન દોડતી હશે .બીજા એક બાળકે એવી કલ્પના દોડાવી છે કે હાલ સરકારી શાળાના બાળકો બસ દ્વારા શાળાએ આવે છે, પરંતુ એ સમયે બાળકો ઉડતી કારમાં બેસીને આવતા હશે. લોકોનું મોટાભાગનું કામ રોબોટ કરતા હશે. એક બાળક એ તો એવી કલ્પના કરી છે કે વર્ષ 2047માં પૃથ્વી પરથી માણસો બીજા ગ્રહના લોકો સાથે વાતચીત કરી શકતા હશે. તેમણે વધુમાં કહ્યું હતું કે વર્ષ 2047 ના ભારત અંગે બાળકોની કલ્પના કેવી છે તેના પ્રતિભાવો ચિત્રના માધ્યમથી મંગાવ્યા હતા. જેમાં જે બાળકો ના ચિત્રો પસંદ થયા હતા તેઓને વડોદરાના જાણીતા ચિત્રકારો દ્વારા ચાર પાંચ સત્રમાં પ્રાથમિક તાલીમ અપાય હતી, અને ચિત્ર કેવી રીતે તૈયાર કરવા, શું સુધારો કરવો, કઈ રીતે રંગ પૂરણી કરવી વગેરેની જાણકારી અપાઇ હતી. શિક્ષણ સમિતિના અધ્યક્ષ પણ ચિત્ર કામગીરી નો પ્રારંભ થયો ત્યારે બાળકોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા.


Google NewsGoogle News