વડોદરા આજવા સરોવરમાં 30 સપ્ટેમ્બર બાદ 213 ફૂટ પાણી ભરી શકાશે
- હાલ આજવાની સપાટી 212.55 ફૂટ છે
વડોદરા, તા. 24 સપ્ટેમ્બર 2020 ગુરૂવાર
વડોદરા શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા ઐતિહાસિક આજવા સરોવરની સપાટી હાલ 212.55 ફૂટ છે. હાલ ત્રણેક દિવસથી આજવામાંથી પાણી છોડવાનું બંધ છે અને ઉપરવાસમાં વરસાદ પણ નથી.
હવે જો વરસાદ ખાબકી પડે અને જો આજવા સરોવરનું લેવલ વધી ને 212.90 ફૂટ થાય તો જ પાણી છોડવું પડશે કેમ કે સરકારની ગાઈડલાઈન મુજબ તારીખ 30 સપ્ટેમ્બર સુધી આજવામાં લેવલ૨ 12.50 ફૂટથી વધુ રાખી શકાતું નથી તારીખ 30 સપ્ટેમ્બર પછી આજવામાં પાણી 213 ફૂટ ભરી શકાશે.
હજી પાંચ દિવસ અગાઉ આજવા અને ઉપરવાસમાં વરસાદ થતાં પાણીની સપાટી 213 ફૂટ નજીક પહોંચી જતા તારીખ 20ની સાંજે પાંચ વાગ્યાથી 5100 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું અને આજવામાં પાણીનું લેવલ ઘટાડીને 212ને 50 ફૂટ સુધી લાવી દેવાયું હતું.
આજવા સરોવરથી વડોદરા શહેરને રોજ આશરે 15 કરોડ લિટર પાણી મળે છે અને વધુ પાણી મેળવવા માટે હવે કોર્પોરેશન દ્વારા આજવા સરોવર નજીક નિમેટા ખાતે આશરે 65 કરોડના ખર્ચે 50 એમ.એલ.ડી કેપેસિટીનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા આયોજન હાથ ધર્યું છે.