mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

તંત્રની બલિહારી: ખાનગી મકાનોને તોડવા માટે નોટિસ, બહુમાળી સરકારી ઇમારતોની બિસ્માર હાલત છતાં મૌન

Updated: Jun 28th, 2024

તંત્રની બલિહારી: ખાનગી મકાનોને તોડવા માટે નોટિસ, બહુમાળી સરકારી ઇમારતોની બિસ્માર હાલત છતાં મૌન 1 - image


Vadodara Corporation : વહીવટી તંત્ર જર્જરિત થઈ ગયેલા ખાનગી માલિકીના મકાનો અને સરકારી મકાનો તોડવા અંગે રહીશોને નોટિસો આપે છે તો બીજી બાજુ સરકારી બહુમાળી ઈમારતની બિસ્માર હાલત હોવા છતાં કોઈ કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી. જેને કારણે સરકારી કચેરીઓમાં રોજબરોજ આવતા અસંખ્ય લોકોના જીવ જોખમમાં મુકાયા છે. ત્યારે વહીવટી તંત્ર એવો બચાવ કરે છે કે દિવાલ અને છતને થોડું નુકસાન થયું છે બાકી ઇમારત મજબૂત છે.

રાજ્યમાં રાજકોટ ગેમઝોન હોનારત બાદ પણ સરકારી તંત્ર પોતાની આળસ નથી ખંખેરી રહ્યું. વડોદરામાં આવેલી સરકારી ઇમારતો અત્યંત જર્જરિત હોવાં છતાં એસી ઓફિસમાં બેસેલા સરકારી બાબુઓ આંખ આડા કાન કરી રહ્યાં છે. સરકારી બાબુઓની આ બેદરકારી ભવિષ્યમાં મોટી હોનારત નોતરી શકે છે.

રાજકોટ દુર્ઘટના બાદ સફાળુ જાગેલું તંત્ર રાજ્યમાં જર્જરિત અને જોખમી બાંધકામો સામે કાર્યવાહી કરવામાં લાગ્યું છે. વડોદરામાં પણ કોર્પોરેશન દ્વારા જર્જરિત થઇ ગયેલી ઇમારતો અને બાંધકામોને નોટિસ આપી તેને ખાલી કરાવવામાં આવી રહ્યાં છે અથવા પાણી ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે. પરંતુ આ જ તંત્ર ખખડધજ થઇ ગયેલી સરકારી ઇમારતોને લઇને આંખ આડા કાન કરી રહ્યું છે અને માત્ર નોટિસ આપી સંતોષ માને છે. 

વડોદરા શહેરમાં ખખડી ગયેલી સરકારી ઇમારતોમાં મુખ્યત્વે બે ઇમારતો એવી નર્મદા ભવન અને કુબેર ભવનનો સમાવેશ થાય છે. લગભગ 40 વર્ષ જુની વડોદરાની આ બહુમાળી સરકારી ઇમારતો હવે અત્યંત જર્જરિત થઇ ગઇ છે. આ ઇમારતોમાં ક્યાંક સ્લેબ પડીને સળિયા બહાર આવી ગયાં છે. તો ક્યાંક ટેરેસ પરની આખે આખી પેરાફીટ દિવાલો એટલી હદે નમી ગઇ છે કે, તે પડી ન જાય તે માટે આ તંત્રએ સરકારી બુદ્ધિ વાપરી તેને લોખંડનાં એંગલો અને કેબલ વડે બાંધી દઇ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે.

 નવ-નવ માળની આ બહુમાળી ઇમારતોમાં સરકારનાં પોલીસ તેમજ ટુરિઝમ સહિતનાં વિભાગો તેમજ વિવિધ સરકારી યોજનાઓની કચેરીઓ આવેલી છે. જે માટે દરરોજ હજારો નાગરિકો આ કચેરીઓમાં આવે છે. તેમ છતાં નાગરિકોની આટલી મોટી સંખ્યા પર ઝઝુમતા મોતને જાડી ચામડીનાં સરકારી બાબુઓ જુએ છે છતાં આંખ આડા કાન કરે છે. જેથી આ કચેરીઓમાં આવતાં નાગરિકોમાં ભય સાથે સરકાર સામે નારાજગી પણ જોવાં મળી રહી છે.

 એક તરફ આ ખખડધજ સરકારી ઇમારતોની બિસ્માર હાલતથી નાગરિકો ચિંતિત છે, તો બીજી તરફ આ સરકારી ઇમારતોની નિભાવણીથી માંડી તેમાં કોઇ દુર્ઘટના ન બને તે જોવાંની જવાબદારી જે સરકારી વિભાગની છે, તેવાં રાજ્યનાં રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગનાં અધિકારીઓ એકદમ નિશ્ચિત છે. રાવપુરામાં મજબુત બાંધકામવાળી સરકારી ઇમારતની એસી ઓફીસોમાં નિર્ભય બનીને બેસતાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર સહિતનાં સરકારી બાબુઓનું કહેવું છે કે ઓલ ઇઝ વેલ... તેમના મતે તો જેનાં પોપડા ખરી રહ્યાં છે, દિવાલો નમી પડી છે, સળિયા દેખાઇ રહ્યાં છે, તેમ છતાં નર્મદા ભુવન અને કુબેર ભવન જેવી અત્યંત જર્જરિત ઇમારતો સુરક્ષિત છે, કોઇ ખતરો નથી. 

આવી જર્જરિત થઇ ગયેલી સરકારી ઇમારતોનો સ્ટ્રકચર સ્ટેબિલીટી રિપોર્ટ આરએન્ડબી વિભાગે સમયાંતરે સરકારમાં મોકલવાનો હોય છે. આ વખતે પણ આ વિભાગ દ્વારા આ બંને બહુમાળી ઇમારતોનાં સ્ટ્રકચર સ્ટેબિલીટી રિપોર્ટ ઓકે જ મોકલાવ્યા હોવાનું તેમનાં બિન્દાસ્તપણા પરથી જણાઇ રહ્યું છે. હવે આને તેમનો અતિ આત્મવિશ્વાસ ગણો કે પછી રૂટિન સરકારી પ્રક્રિયા, પણ સરકારી બાબુઓની આવી જ બેદરકારી ક્યારેક મોટી હોનારત નોતરી શકે છે. હાલ તો આ સરકારી ઇમારતોની હાલત જોઇને તો એવું જ લાગી રહ્યું છે કે, સરકારી બાબુઓની બેદરકારી હજારો નાગરીકોનાં જીવ જોખમમાં મુકી રહી છે.


Gujarat