વડોદરા અકસ્માત કેસના આરોપીને પોલીસે રિમાન્ડ પર લેતાં છાતીમાં દુઃખાવો ઉપડ્યો, હોસ્પિટલમાં અપાઈ સારવાર
Vadodara Accident: વડોદરામાં હોળીની રાત્રે કારેલીબાગ વિસ્તારમાં ત્રણ ટુ-વ્હીલરને કારથી ટક્કર મારી એક મહિલાનું મોત નિપજાવનાર આરોપી રક્ષિત ચોરસિયાને પોલીસે રિમાન્ડ પર લીધો હતો. જોકે, આ દરમિયાન તેને છાતીમાં દુખાવો થતા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાર બાદ તેને અકસ્માતના સ્થળે લઈ જઈ ઘટના અંગે માહિતી મેળવવામાં આવી હતી. રિમાન્ડ પૂરા થતા રક્ષિતને કોર્ટમાં રજૂ કરાયો.
શું હતી સમગ્ર ઘટના?
હોળીની રાત્રે કારેલીબાગ આમ્રપાલી વિસ્તારમાં પૂર ઝડપે કાર ચલાવતા રક્ષિત ચોરસિયાએ ત્રણ ટુ વ્હીલરને અડફેટ લીધા હતા. જેમાં આઠ વ્યક્તિઓને ઈજા થઈ હતી અને હેમાલી પટેલ નામની યુવતીનું મોત નિપજ્યું હતું. આ મહિલાના પતિ પુરવ પટેલને પણ સયાજી હોસ્પિટલમાં જ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જેમની હાલત પણ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત માતા અને બે બાળકોને સયાજી હોસ્પિટલમાંથી અન્ય ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે કાર ચલાવતા રક્ષિત ચોરસિયાના રિમાન્ડ મેળવ્યા છે.
અકસ્માતમાં ઈજા પામેલા અને મૃત્યુ પામેલા વ્યક્તિઓની યાદી
- હેમાલીબેન પુરવભાઈ પટેલ, ઉંમર- 36 વર્ષ (મૃતક)
- પુરવ દીપકભાઈ પટેલ, ઉંમર- 37 વર્ષ
- કોમલબેન અજીતભાઈ કેવલાણી, ઉંમર- 24 વર્ષ
- જયેશભાઈ અનિલભાઈ કેવલાણી, ઉંમર- 18 વર્ષ
- વિકાસભાઈ અજીતભાઈ કેવલાણી, ઉંમર- 22 વર્ષ
- નિશાબેન આશિષભાઈ શાહ, ઉંમર- 35 વર્ષ
- જૈનીલ આશિષભાઈ શાહ, ઉંમર- 8 વર્ષ
- રેન્સી આશિષભાઈ શાહ, ઉંમર- 9 વર્ષ
![]() |
મૃતક હેમાલી પટેલ અને તેનો પતિ પૂરવ પટેલ |
તમામ ઈજાગ્રસ્તોમાં પટેલ અને કેવલાણી પરિવાર ફતેગંજ ટેક્સટાઇલ ટેકનો ટેકનિકલ સોસાયટીના રહેવાસી છે. તેમજ શાહ પરિવાર કારેલીબાગ બંસલ મોલની પાછળ દિપાવલી સોસાયટીના રહેવાસી છે. જેમાં હેમાલીબેન પૂરવભાઈ પટેલનું મોત નિપજ્યું હતું.