વડોદરાના વાવાઝોડામાં નીલગીરીનું ઝાડ પડતા બાઈક સાથે પટકાયેલા આધેડનું મોત
Vadodara : વડોદરા શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં ગઈ સાંજે ભારે વાવાઝોડું આવ્યું હતું અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાંજે એકાએક ચારે બાજુ વાદળો ઘેરાઇ જતાં અંધારું થઇ ગયું હતું અને પ્રચંડ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં વાહનચાલકો અને રાહદારીઓએ નાસભાગ કરી મૂકી હતી અને તેને કારણે અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો.
આ વખતે પાદરા તાલુકાના પીપળી ગામમાં રહેતા કિરણસિંહ છત્રસિંહ રાઠોડ ઉંમર વર્ષ 50 પાદરાથી પોતાનું બાઈક લઈને પોતાના ઘેર પીપળી ગામે જતા હતા. તે વખતે રસ્તામાં અંબા સંકરી નજીક અચાનક એક નીલગીરીનું ઝાડ તેઓની ઉપર પડતાં માથામાં ગંભીર ઈજા થવાથી બાઈક સાથે પટકાયા હતા. આ સાથે તેમનું કરૂણ મોત નિપજ્યું હતું.
200થી વધુ વૃક્ષો ધરાશાયી થવાના ફાયર બ્રિગેડને કોલ મળ્યા
વાવાઝોડાને કારણે ઠેકઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાના ફાયર બ્રિગેડને સતત કોલ્સ મળી રહ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ જુદા જુદા વિસ્તારોમાં 200 થી વધુ વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. જ્યારે ત્રણ વ્યક્તિઓ દબાઇ જવાથી ઘાયલ થયાની માહિતી મળી છે.
સલાટવાડા પાસે તોતીંગ વૃક્ષ તૂટી પડતાં દાંડિયાબજાર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બે જણાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી પણ એક વ્યક્તિ દબાયેલી હોવાની આશંકાને કારણે ઝાડ કાપીને તેને શોધવાની કામગીરી રાતે સાડા નવ વાગ્યા સુધી ચાલુ રહી હતી. વાવાઝોડાને કારણે અનેક સ્થળે ઇલેકટ્રિક પોલ,તાર તેમજ હોર્ડિંગ્સ તૂટી પડયા છે. જ્યારે વાહનોને પણ નુકસાન થયું છે.