વડોદરા: તરસાલીમાં પ્રથમ તબક્કામાં 50 એમએલડી ક્ષમતાનો સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટૂંક સમયમાં કાર્યરત થશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આશરે 157 કરોડના ખર્ચે તરસાલી ખાતે 100 એમએલડી કેપેસિટી નો સુવેઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે. આ પ્લાન્ટની કામગીરીની કેટલી પ્રગતિ થઈ છે તે સંદર્ભે કામગીરીનું મેયર અને સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ દ્વારા નિરીક્ષણ કરી સમીક્ષા કરવામાં આવી હતી. ટુંક સમયમા પ્રથમ તબક્કામાં 50 એમએલડી નો પ્લાન્ટ કાર્યરત થાય એમ હોઇ શરૂ કરવા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. વડોદરા શહેર ની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં લઇ ડ્રેનેજ ઝોન-1,2 તથા 3માં વિભાજીત કરવામાં આવેલ છે. જે પૈકી ડ્રેનેજ ઝોન-1 માં વિશ્વામિત્રી નદીના પૂર્વ તરફનો તેમજ પ્રતાપનગર ડભોઇ રેલવે લાઇનથી દક્ષિણ તરફના વિસ્તારનો સમાવેશ થાય છે. વડોદરા શહેરમાં વર્ષ 2019માં આઉટગ્રોથ વિસ્તારોનો તેમજ વર્ષ 2020માં નવા ગામોનો સમાવેશ થયેલ છે. જેનાથી વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારમાં પણ વધારો થયેલ છે.
અગાઉથી જ વિકસિત તરસાલીના વિસ્તારોમાં વર્ટીકલ ડેવલપમેન્ટમાં થઈ રહેલ વધારાના લીધે પણ તરસાલી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવતા સુવેઝના જથ્થામાં વધારો થઈ રહેલ છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા પણ ઉત્પન્ન થતા સુવેઝને નિયત ટ્રીટમેન્ટ પેરામીટર્સમાં ટ્રીટમેન્ટ આપવા માટે હુકમ થયેલ છે. જેને અનુલક્ષીને વડોદરા મહાનગરપાલિકા ધ્વારા પણ નિયત ધારાધોરણ મુજબના ટ્રીટમેન્ટ પેરામીટર્સ પ્રમાણેના સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના થાય છે. તે પ્રમાણે તરસાલી ખાતે નવા 100 એમએલડી ક્ષમતાનો સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન હાથ ધરેલ છે.