ગુજરાતના વધુ એક શહેરમાં 450 સરકારી કર્મચારીને ફટકારાયો દંડ, કુલ 5000 વાહન ચાલકો દંડાયા
Gujarat News : ગુજરાત રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ વડોદરા શહેરમાં હેલમેટ ન પહેરવા બદલ 450 સરકારી કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. એટલું જ નહીં શહેરમાં છેલ્લા 15 દિવસમાં હેલમેટ ન પહેરનારા 5000 વાહન ચાલકો પણ દંડાયા છે.
450 સરકારી કર્મચારીને દંડ
રાજ્ય પોલીસ વડાના આદેશ અનુસાર વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા હેલમેટ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 15 દિવસની અંદજ લગભગ 450 સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે ટ્રાફિક પોલીસે કુલ મળીને 5000 વાહન ચાલકોને દંડ ફટકાર્યો છે.
ટ્રાફિક પોલીસનું હેલમેટ અભિયાન
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો હતો. ત્યાર બાદ મંગળવાર (11મી ફેબ્રુઆરી)થી સરકારી કચેરીમાં તમામ કર્મચારીઓમાં દ્વિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત કરાયા છે. હાઇકોર્ટના કડક વલણને પગલે રાજ્યના DGP વિકાસ સહાયએ આદેશ કરતાં હેલ્મેટ વગરના કર્મચારીને દંડિત કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદમાં પણ કરાઈ હતી કાર્યવાહી
સરકારી કર્મચારીઓમાં હેલ્મેટ પાલન અંગે પોલીસ મહાનિર્દેશક (DGP)ના કડક નિર્દેશોને પગલે અમદાવાદ ટ્રાફિક પોલીસે 11 ફેબ્રુઆરી-2025ને મંગળવારે સરકારી કચેરીઓની બહાર એક વ્યાપક ઝુંબેશ શરૂ કર્યું હતું કલેક્ટર ઓફિસ અને પોલીસ કમિશનર ઓફિસ સહિતના મુખ્ય સ્થળોએ હેલ્મેટ અને સીટબેલ્ટના નિયમોનું પાલન કરવા માટે ટ્રાફિક પોલીસ કર્મચારીઓની ભારે તૈનાતી જોવા મળી હતી. આ કામગીરી દરમિયાન અમદાવાદ ટ્રાફિક પોલીસે કુલ 660 કેસ નોંધ્યા અને રૂ.3.30 લાખ દંડ વસૂલ્યો હતો. નોંધનીય છે કે, પોલીસ અધિકારીઓને પણ બક્ષવામાં આવ્યા ન હતા. તેમની સામે પાલન ન કરવા બદલ 72 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. વધુમાં નાગરિક સરકારી કર્મચારીઓ સામે 575 કેસ નોંધાયા હતા.
આ પણ વાંચો : સાબરકાંઠાના તલોદમાં UGVCLની બેદરકારીથી ખેતરમાં આગ લાગી, ઘઉંનો પાક બળીને ખાક