અક્ષય પાત્ર સંસ્થાના 250 જેટલા કોન્ટ્રાક્ટના કર્મીઓને છુટા કરાતા હડતાલ
Vadodara : તમામ સરકારી સ્કૂલો સહિત પાદરા ખાતે મધ્યાહન ભોજન પહોંચાડતા ખ્યાતનામ અક્ષર પાત્ર સંસ્થાના બદલાઈ ગયેલા કોન્ટ્રાક્ટરે મહિલાઓ સહિત 250 જેટલા કોન્ટ્રાક્ટ કર્મીઓને એકાએક છુટા કરી દેતા તમામ કર્મીઓ ધરમપુરા ગાર્ડન ખાતે એકત્ર થઈને હડતાલ પર ઉતરી હલ્લાબોલ કર્યો છે. વર્ષોની નોકરી છતાં પગાર વધારો નહીં કરીને કાયમી પણ કરાતા નથી. ઉપરાંત બોનસ પણ નહીં આપીને દર વર્ષે છુટા કરીને નવા કોન્ટ્રાક્ટ કર્મીઓની ભરતી કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં ખ્યાતનામ સંસ્થા અક્ષય પાત્ર દ્વારા તમામ સરકારી સ્કૂલો સહિત પાદરા ખાતે ભોજન બનાવી પહોંચાડવામાં આવે છે.
આ સંસ્થામાં મહિલાઓ સહિત 250 જેટલા કોન્ટ્રાક્ટ કર્મીઓ છે. કોન્ટ્રાક્ટર દ્વારા પ્રતિમા તેમને પગાર આપવામાં આવે છે પરંતુ વર્ષો સુધી નોકરી કરવા છતાં પણ કાયમી કરવામાં નહીં આવતા હોવાના આક્ષેપો છુટા કરાયેલા કર્મીઓએ કર્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ જાતનો પગાર વધારો કરવામાં આવતો નથી. આ અંગે ન્યાયની માગણી કરનારા કેટલાક અગ્રણી કર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયાનો આક્ષેપ પણ કર્યો છે. છુટા કરાયેલા તમામ કર્મીઓ પૈકી સંસ્થામાં કોઈને અંદર જવા દેવામાં આવતા નથી. બહાર ગેટ પાસે ઊભા રહેતા બાઉન્સરો કોઈને અંદર જવા દેતા નથી. સંસ્થામાં જવાબદારો દ્વારા કોન્ટ્રાક્ટ કર્મીઓને કોઈપણ પ્રકારનું કામ કરવા મજબૂર કરવામાં આવતા હોવાના પણ આક્ષેપો કરાયા છે. 12-15 વર્ષની નોકરી થવા છતાં પણ સંસ્થા દ્વારા કોઈ કર્મચારીને કાયમી કરાતા નથી ઉપરાંત દિવાળીમાં બોનસ પણ નહીં આપતા હોવાનું અને પગાર વધારો પણ નહીં કરાતો હોવાના આક્ષેપો થયા છે. કેટલાક કર્મીઓને કામ અંગે કરાયેલા માનસિક ત્રાસના કારણે માનસિક તાણ થતા સરકારી દવાખાનેથી કાયમી ધોરણે દવા પણ લેવા મજબૂર થવું પડ્યું છે. દર વર્ષે દિવાળીના વેકેશનના બહાને તહેવાર બાદ ફરીવાર સંસ્થામાં પ્રવેશ નહીં આપીને વારંવાર આજીજી કરતા કોન્ટ્રાક્ટ રીન્યુ કરાયો હોવાના બહાના હેઠળ નોકરીએ પરત લેવામાં આવે છે. પરિણામે ધરમપુર ગાર્ડન ખાતે એકત્ર થયેલા તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કોન્ટ્રાક્ટર સામે વિરોધ કરીને હડતાલ પર ઉતરી ગયા છે.