વડોદરા: વડોદરા જિલ્લામાં 19,278 ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી
- આત્મા પ્રોજેક્ટ હેઠળ જિલ્લામાં 35,000થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ અપાઈ
વડોદરા, તા. 08 જૂન 2023, ગુરૂવાર
વડોદરા જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી ઝેરમુક્ત ખેત પેદાશોનું ઉત્પાદન કરવા આગળ આવ્યા છે. વડોદરા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ હેઠળ મે મહિના સુધીમાં 35061 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ આપવામાં આવી છે. જિલ્લામાં 19,278 ખેડૂતોએ 21,976 એકરમાં પ્રાકૃતિક કૃષિ અપનાવી છે.આત્માના પ્રોજેકટ નિયામક જણાવે છે કે વડોદરા જિલ્લામાં 62 ગ્રામ પંચાયતોમાં ૭૫ થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. એવી જ રીતે 187 ગ્રામ પંચાયતોમાં 25 સુધી, 180 ગ્રામ પંચાયતોમાં 26 થી 50 અને 107 ગ્રામ પંચાયતોમાં 51 થી 75 સહિત કુલ 19,278 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
આ ખરીફ સીઝનમાં વડોદરા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ઓછામાં ઓછા 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં કરજણ ખાતે શિનોર અને કરજણ તાલુકાના ખેડૂતો પોતાની પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કરી શકશે. વડોદરા શહેરમાં પણ વુડા દ્વારા જગ્યા ફાળવવામાં આવશે, જેથી શહેરી વિસ્તારના ગ્રાહકો પણ ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેત પેદાશો ખરીદી શકશે.વડોદરા જિલ્લામાં 10-10 ગામોના ક્લસ્ટર્સ બનાવીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા જ તાલીમ આપવામાં આવી રહી છે.