કરમસદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની બસ બંધ કરાતા વેકેશનમાં હાલાકી
- મુસાફરો વાયા વડોદરા કે ભરૂચ થઈને જવા મજબૂર
- રૂટનું ટાઈમટેબલ નવેસરથી કરવા અને પેસેન્જર ઓછા મળતા બસ બંધ કર્યાનો તંત્રનો દાવો
ગુજરાતના એસટી બસ વિભાગ દ્વારા લોહપુરૂષના વતન કરમસદ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડિયા કોલોનીને સાંકળતી સીધી બસ સેવા શરૂ કરીને બે મહત્વનાં ઐતિહાસિક સ્થળો વચ્ચે મુસાફરોને પરિવહનની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી. એસટી બસનો રૂટ ચાલુ કર્યા બાદ છેલ્લા કેટલાક સમયથી કરમસદથી કેવડીયા કોલોની એસટી બસ અગમ્ય કારણોસર બંધ કરી દેવાતા સ્થાનિક મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે.
કરમસદ ઘર આંગણેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ડાયરેક્ટ પહોંચવું હવે મુશ્કેલ બન્યું છે. હવે મુસાફરોને વાયા વડોદરા કે ભરૂચ થઈને એસટી કે ખાનગી કે પોતાના વાહનોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની મુસાફરી કરવી પડે છે. આણંદ એસટી વિભાગે જણાવ્યું હતું કે, આ રૂટમાં પેસેન્જર ઓછા મળે છે, જેથી હાલ રૂટ બંધ કરવામાં આવ્યો છે. રૂટના સમયનું સેટિંગ પણ નવેસરથી કરવાનું છે.