નર્મદા નદીની ઉત્તરવાહિની પરિક્રમાનો 29 માર્ચથી પ્રારંભ,1 મહિનામાં 30 લાખથી વધુ ભક્તો પરિક્રમા કરશે
વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી લગભગ છ કિમી સુધી ઉત્તર દિશામાં વહેતી હોવાથી ચૈત્ર મહિનામાં પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમાનું વિશેષ માહાત્મય છે.જેને કારણે આગામી તા.૨૯મી માર્ચથી જુદાજુદા રાજ્યોના ભક્તો મોટી સંખ્યામાં પરિક્રમા માટે ઉમટી પડનાર હોવાથી નર્મદા જિલ્લાના વહીવટીતંત્ર માટે વ્યવસ્થાનો મોટો પડકાર આવ્યો છે.
કોઇ પણ નદી ઉત્તર દિશામાં વહે ત્યારે તેનું ધાર્મિક માહાત્મય વધી જાય છે.કાશીમાં ગંગાજી ઉત્તરમાં વહેતા હોવાથી ત્યાં વિશેષ મહત્વ છે.આવી જ રીતે નદીઓમાં આગવું મહત્વ ધરાવતી નર્મદા નદી પણ રાજપીપળાના રામપુરા ગામથી તિલકવાડા સુધી ઉત્તર દિશામાં વહે છે.નર્મદા એક જ નદી એવી છે જેની હજારો લોકો ૩૨૦૦ કિમીની આખી પરિક્રમા કરતા હોય છે.
પરંતુ આગામી તા.૨૯ મી માર્ચથી શરૃ થતા ચૈત્ર મહિનામાં ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમાથી આખી નર્મદાની પરિક્રમાનું પૂણ્ય મળતું હોવાની ધાર્મિક માન્યતા હોવાથી ૧૪ કિમી ની પરિક્રમા માટે હજારો ભક્તો આખો મહિનો ઉમટતા હોય છે.જે દરમિયાન ઠેરઠેર સેવાભાવી સંસ્થાઓ પણ પરિક્રમાવાસીઓની સેવા કરતી હોય છે.આ પરિક્રમા તા.૨૭મી એપ્રિલ સુધી ચાલશે.
વહીવટીતંત્ર માટે પણ આ પરિક્રમાની વ્યવસ્થા પડકારરૃપ હોય છે.કોઇ પણ પ્રકારનો અનિચ્છનિય બનાવ ના બને તે માટે નર્મદા નદી ઓળંગવા માટે બે સ્થળે નાવડીઓ તેમજ હંગામી બ્રિજ બનાવવામાં આવતા હોય છે.જ્યારે,પરિક્રમાના રૃટ પર પણ કોઇ અડચણ ના પડે તે માટે કાચો રસ્તો તૈયાર કરવામાં આવતો હોય છે.
ઉત્તરવાહિની પરિક્રમાનું મહત્વ દર્શાવવા ૭૮ વર્ષીય સંત આખો મહિનો પરિક્રમા કરેછે
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું મહત્વ દર્શાવવા માટે ૭૮ વર્ષના સંત છેલ્લા ૧૭ વર્ષથી આખો મહિનો રોજ બે વાર પરિક્રમા અને નદીમાં રોજ ૨૯ વખત સ્નાન કરતા હોય છે.
શૂલપાણેશ્વર મહાદેવ ખાતે રહેતા સાંવરિયા મહારાજે કહ્યું છે કે,માર્કેન્ડેય ઋષિએ નર્મદા મૈયાની આખી પરિક્રમાનું અને ઉત્તરવાહિની નર્મદાનું પણ મહત્વ દર્શાવ્યું છે.પરંતુ ઉત્તરવાહિની પરિક્રમા વર્ષોથી બંધ જેવી હતી.
કોઇ ભક્તો એકાદશી,અમાસ જેવી તિથિએ છૂટાછવાયા પરિક્રમા કરતા હતા.પરંતુ માર્કેન્ડેય મુનિએ દર્શાવેલા ઉત્તર વાહિનીના મહત્વને સમાજ સુધી લાવવું જરૃરી હોવાથી અમે વર્ષ-૨૦૦૮માં ભક્તોના જૂથ સાથે આખો મહિનો પરિક્રમા શરૃ કરી હતી.
નર્મદા નદીની સ્વચ્છતા જળવાય તે માટે ભક્તોને અપીલ,સફાઇ કરતાં નાકે દમ આવેછે
કચરો એકઠો કરવા માટે ઠેરઠેર ડસ્ટબિન મુકાય અને સફાઇ કર્મીઓ હાજર રખાય તે જરૃરી
પરિક્રમા દરમિયાન ગંદકી અને કચરો ઠલવાતો હોવાથી નર્મદા નદીની સ્વચ્છતા જળવાય તે માટે ગ્રામજનો લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
આમ તો ઉત્તરવાહિની નર્મદાની શરૃઆત ગમે તે ઘાટથી થતી હોય છે.પરંતુ મોટાભાગ ના ભક્તો રામપુરાના કીડીમકોડી ઘાટે રણછોડજી મંદિરેથી પરિક્રમા શરૃ કરતા હોય છે.ત્યાંથી માંગરોળ,ગુવાર થઇ સામે કિનારે તિલકવાડા,મણિનાગેશ્વર,કપિલેશ્વર,વાસણ અને રેંગણ થઇ સામે કિનારે રામપુરા ખાતે સંપન્ન થાય છે.
આ દરમિયાન ગંદકી થતી હોવાથી અને જ્યાંત્યાં કચરો નાંખવામાં આવતો હોવાથી સ્વચ્છતા જળવાય તે માટે ગ્રામજનો લાગણી વ્યક્ત કરી રહ્યા છે.તંત્ર પણ ઠેરઠેર ડસ્ટબિન મુકે અને સફાઇ કર્મીઓ રાખે તો ભક્તોને પણ સ્વચ્છતા જાળવવી આસાન રહેશે.