ખંભાતમાં મહિનામાં ચાર વખત ઉજવાતી ઉતરાયણ : દરિયાઇ પંતગબાજીનું અનેરૂ મહત્વ
ચંદરવો, રોકેટ, ચીલ, કનકવા પતંગનું લોકોમાં આકર્ષણ
અમદાવાદ, કલકત્તાથી આયાત કરાતી ચીરિયા પાડેલી કમાન અને દિલ્હી-મુંબઈના જીલેટીન કાગળો ખંભાતી પતંગની વિશેષતા
આણંદ: નવાબી નગર ખંભાતની પતંગો વિશ્વભરમાં પ્રખ્યાત છે. ત્યારે પતંગની સાથે ખંભાતની દરિયાઈ ઉતરાયણ પણ મહત્વનું સ્થાન ધરાવે છે. મકરસંક્રાંતિ પછીના પ્રથમ રવિવારે ખંભાતના દરિયાકાંઠે ખંભાતવાસીઓ સહિત રાજ્યભરના પતંગરસિયાઓ પતંગ ચગાવવા એકઠા થાય છે. માત્ર દરિયાઈ ઉતરાયણ નહીં પરંતુ ખંભાતમાં એક મહિનામાં જ કુલ ચાર વખત ઉતરાયણ ઉજવવામાં આવે છે.
ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચરોતરની બજારોમાં પતંગ, ફીરકી ખરીદવા માટે પતંગરસિકોની ભીડ જામી છે. ત્યારે ચરોતર સહિત દેશ-વિદેશમાં ખંભાતી પતંગોની બોલબાલા છે. પતંગના ઉત્પાદન માટે જાણીતા ખંભાતમાં ઉતરાયણની ચાર વખત ઉજવણી કરવામાં આવે છે. પ્રથમ તા.૧૪ જાન્યુઆરીને મકરસંક્રાંતિના રોજ સામાન્ય ઉતરાયણ, બીજા દિવસે તા.૧૫ના રોજ વાસી ઉતરાયણ, ત્યારબાદ મકરસંક્રાંતિ પછીના પ્રથમ રવિવારે દરિયાઈ ઉતરાયણ અને પતંગના ઉત્પાદનમાં મોટાપ્રમાણમાં સંકળાયેલા ખારવા સમાજ દ્વારા ગણતંત્ર દિવસે ઉતરાયણ ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિ પછીના પ્રથમ રવિવારે ખંભાતવાસીઓ દ્વારા દરિયાના પટમાં ઉતરાયણની ઉજવણી કરવામાં આવે છે. માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાંથી પણ હજારો પતંગરસિકો દરિયાઈ ઉતરાયણ મનાવવા ખંભાત પહોંચતા હોય છે. પરિણામે નવાબી નગરમાં પ્રવેશવાના રસ્તા પર કલાકો સુધી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે. ગત વર્ષે એક લાખથી વધુ પતંગરસિયાઓ દરિયાઈ ઉતરાયણની મોજ માણવા ખંભાત પહોંચ્યાં હતાં. ૃપતંગના ઉત્પાદનમાં અગ્રેસર ખંભાતમાં અમદાવાદ અને કલકત્તાથી ચીરિયા પાડેલી કમાન આવે છે. તેમજ કાગળ દિલ્હી અને મુંબઈથી આયાત કરવામાં આવે છે. ખંભાતી પતંગમાં વપરાતો જીલેટીન કાગળ આકર્ષક હોવાની સાથે સાથે ચગાવવામાં પણ સાનુકૂળ હોય છે. કાગળ, કમાન સહિતના કાચા માલસામાનના ભાવમાં વધારો, ટેક્સની રકમ, પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ સહિતના કારણે પતંગની કિંમતોમાં વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે સૌથી વધુ ચીલ, કનકવા પતંગનું ઉત્પાદન થયું છે. ઉપરાંત ૮ ફૂટની ચંદરવો, રોકેટ પતંગની સાથે સાથે બે ઈંચની ટચૂકડી પતંગો પણ આકર્ષણનું કેન્દ્ર બની છે.
ખંભાતમાં ખેંચ મારીને પતંગ કાપવાની મનાઈ છે
સામાન્યરીતે ઢીલ અને ખેંચ મારીને પતંગ કાપવામાં આવતી હોય છે પરંતુ ખંભાતમાં વર્ષોથી અનોખો રિવાજ ચાલ્યો આવે છે. ખંભાતમાં ખેંચ મારીને પતંગ કાપવાની મનાઈ છે. માત્ર ઢીલ દોરી મૂકીને જ પતંગનો પેચ કરવામાં આવે છે. જો કોઈ ખેંચ મારીને પતંગ કાપે તો બે પક્ષો વચ્ચે મોટી બબાલ સર્જાતી હોય છે. કેટલીક વખત મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચતો હોય છે. જોકે, સમજાવટના અંતે મામલો થાળે પડતો હોય છે.
પતંગ ઉદ્યોગમાં ખારવા, મોચી, ચુનારા જ્ઞાાતિનો મહત્વનો ફાળો
ખંભાતમાં પતંગ ઉદ્યોગ સાથે બે હજારથી વધુ પરિવારો સંકળાયેલા છે. મુખ્યત્વે ખારવા જ્ઞાાતિનો સમાવેશ થાય છે. ઉપરાંત મોચી, ચુનારા જ્ઞાાતિ પણ મહત્વનો હિસ્સો ધરાવે છે. ૧૦ મહિના સુધી પાંચ હજાર કારીગરો પતંગ બનાવે છે. તેમજ હજારો મહિલાઓ ઘરે પતંગ બનાવી રોજગારી મેળવે છે.ખંભાતી પતંગના વિવિધ નામો
ખંભાતી પતંગના વિવિધ નામો
ખંભાતી પતંગોને અલગ અલગ નામ આપવામાં આવતા હોય છે. પાન ટોપા, દિલ ગુલ્લા, કરાહ, ચોકડો, ચીલ, ચાંદ, ડબલ દિલ, દિવો, રોકેટ, ચાપટ, પાવલા, ભામચી, પીવીસી, ચંદરવો, કનકવો, ફેન્સી, ખાખી ઢગલ, મોટા મેટલ સહિતની અલગ અલગ ડિઝાઈનમાં પતંગોનું ઉત્પાદન થાય છે.
ખારવા સમાજ ગણતંત્ર દિવસે ઉતરાયણ ઉજવે છે
ખંભાતના પતંગ ઉદ્યોગમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા ખારવા સમાજ દ્વારા ગણતંત્ર દિવસના રોજ ઉતરાયણ મનાવવામાં આવે છે. વર્ષ દરમિયાન ૧૦ મહિનાથી સતત પતંગ બનાવતો ખારવા સમાજ ઉતરાયણના દિવસે પતંગ ઉડાવી શકતો નથી. જેથી સમાજ દ્વારા વર્ષોથી તા.૨૬ જાન્યુઆરીના રોજ પતંગોત્સવ ઉજવવામાં આવે છે.