ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં સરકારી વાહનોનો ઉપયોગ, ભાજપના નેતા લાજવાના બદલે ગાજ્યા
Ashwin Raiyani Viral Video: રાજકોટના મેયર સરકારી ગાડીમાં પ્રયાગરાજના પ્રવાસે ગયા હોવાનો વિવાદ હજુ શાંત પડ્યો નથી ત્યાં તો ધોરાજીમાં નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે ભાજપના ઉમેદવારના ઉમેદવારના પ્રચાર માટે સરકારી ગાડી અને ડ્રાઇવરનો ઉપયોગ કરાતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ગોંડલ નગર પાલિકાના પ્રમુખ લૂલો બચાવ કરતાં જોવા મળે છે. ત્યારબાદ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવી હોય તો કરી દેજો એમ કહી લાજવાના બદલે ગાજતા જોવા મળે છે.
હાલમાં ધોરાજીથી એક વીડિયો વાયરલ સામે આવ્યો છે જેમાં ગોંડલ નગરપાલિકાના પ્રમુખ અશ્વિન રૈયાણી અને કેટલાક વ્યક્તિઓ જી.જે.03 જી 1991 નંબરની સરકારી ગાડી લઇને ધોરાજી ગયા હતા. ધોરાજી નગરપાલિકાના વોર્ડ નં.2ના ભાજપના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા માટે આવ્યા હતા. એટલું જ નહી સરકારી ગાડી સાથે સરકારી ડ્રાઇવર પણ તેમની સાથે હતો.
આ સમગ્ર ઘટનાનો એક નાગરિકે વીડિયો ઉતારતાં તેમને પ્રશ્નો કર્યા હતા હતા, ત્યારે તેમને બચાવ કરતાં જણાવ્યું હતું કે હું પ્રચાર માટે નહી પરંતુ અંગત કામ માટે મિત્રને મળવા આવ્યો છું. ત્યારે નાગરિકે કહ્યું હતું કે અંગત કામ માટે સરકારી ગાડીનો ઉપયોગ કરી શકાય. ત્યારબાદ શાબ્દીક બોલાચાલી થયા બાદ અશ્વિન રૈયાણીએ કહ્યું કે તમે ચૂંટણી પંચમાં ફરીયાદ કરી દેજો. ભાજપના નેતાઓ આવા ઉડાઉ જવાબથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અહીં વીડિયો સ્પષ્ટ જોઇ શકાય છે કે ભાજપના નેતા પોતાની ભૂલ સ્વિકારવાના બદલે નાગરિક પર ગાજી રહ્યા છે.