પરત ફરેલા ગુજરાતીઓએ મોં છુપાવવું પડ્યું, અમેરિકામાં તો ભારતીયોએ જ શોષણ કર્યાનો ખુલાસો!
USA Deported Indian News | અમેરિકામાં ગેરકાયદે પહોંચેલા 37 ગુજરાતીઓ સહિત 104 ભારતીયોને અમેરિકન લશ્કરના વિમાનમાં અમૃતસર એરપોર્ટ લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાંથી અન્ય એરલાઇનમાં બુધવારે સવારે સવા છ વાગે તમામ 37 ગુજરાતીઓને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. જ્યાંથી અલગ અલગ જિલ્લાની પોલીસ સઘન બંદોબસ્ત ગોઠવીને તમામને પોલીસના વાહનોમાં તેમના ઘરે પહોંચતા કરાયા હતા. તમામ 37 લોકો પૈકી કેટલાંક બાળકો પણ હતા. આ સમયે તમામને એરપોર્ટ ખાતે લેવા આવેલા તેમના પરિવાજનાને મળીને ડિપોર્ટ થયેલા લોકો ભાવૂક થયા હતા. જો કે તમામ લોકોએ મીડિયાના સવાલોને ટાળ્યા હતા. પરિવારજનોએ અને પરત ફરેલા લોકોએ જવાબ આપવાનું ટાળ્યું.
તમામને અલગ અલગ જિલ્લાના પોલીસ સ્ટાફના બંદોબસ્તમાં એરપોર્ટથી બહાર લવાયા
ગુજરાતના તેમજ અન્ય દેશોના એજન્ટોને લાખો રૃપિયા આપીને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરીને સ્થાયી થવા ગયેલા કુલ 104 લોકોને લઇને અમેરિકન સેનાનું વિમાન બુધવારે અમૃતસર એરપોર્ટ પર આવ્યું હતું. જ્યાંથી 37 ગુજરાતીઓને લઇને ગુરુવારે સવારે સવા છ વાગે ફ્લાઇટમાં તમામને ઇન્ડિગોની ફ્લાઇટમાં અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. આ તમામ મુસાફરો ઉતર્યા ત્યારે ઇન્ટેલિજન્સ બ્યુરો અને સ્થાનિક પોલીસે એરપોર્ટ પર તેમનું ક્રોસ વેરિફીકેશન કરીને જે તે જિલ્લાની લોકલ ક્રાઇમબ્રાંચની ટીમને સોંપવામાં આવ્યા હતા અને તમામને પોલીસવાનમાં બેસાડીને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
એરપોર્ટ અમેરિકાથી પરત આવેલા લોકોને પુછતા તેમના પરિવારજનો કહ્યું હતું કે 33લોકો સતત 40 કલાક સુધી યુએસએસ લશ્કરના વિમાનમાં આવ્યા ત્યારથી થાકી ગયા છે. જેના કારણે વાત કરવાનું ટાળ્યું હતુ. બીજી તરફ મોટાભાગના લોકો મો છુપાવતા જોવા મળ્યા હતા.
એરપોર્ટ પર તમામને લેવા માટે અલગ અલગ જિલ્લાના એલસીબીના સ્ટાફની સાથે બંદોબસ્ત માટે ઝોન-4ના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરને ખાસ બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવી હતી. આગામી સમયમાં અમેરિકાથી ડિપોર્ટ થયેલા તમામ લોકો પૈકી બાળકો સિવાયના લોકોના નિવેદન નોંધીને કબુતરબાજીના નેટવર્ક સુધી પહોંચી વળવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે.
અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોનું ડેઇલી પેમેન્ટના નામે ભારતીયો દ્વારા જ આર્થિક શોષણ
અમેરિકામાં ગેરકાયદે જઇને નોકરી કરતા ભારતીયોનું ત્યાંના ભારતીયો દ્વારા જ આર્થિક શોષણ કરવામાં આવે છે. અમેરિકામાં કાયદેસરની વર્ક વિઝા ધરાવતા લોકોને ઉંચા પગાર પર નોકરી આપવામાં આવે છે.જ્યારે ગેરકાયદે જતા ભારતીયોને પગાર પર નહી પરંતુ, ડેઇલી પેમેન્ટ પર કામ આપવામાં આવે છે. જેમાં તેમનું શોષણ થાય છે. અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગાંધીનગરના એક યુવકના પિતાએ કહ્યું કે મારા પુત્રને એક ભારતીયના મોલમાં કામ કરવાના બદલામાં 15 ડોલર પ્રતિદિન મળતા હતા. જ્યારે પગાર પર કામ કરતા લોકોને 35 થી 40 ડોલર પ્રતિદિનનો પગાર આપવામાં આવતો હતો. ખાસ કરી ગુજરાતી વેપારીઓ કે અન્ય ધંધા સાથે સંકળાયેલા લોકો ગેરકાયદે આવેલા ભારતીયોને કામ આપવાના બહાને શોષણ કરવામાં અવલ્લ હોય છે. પરંતુ, અમેરિકામાં જવાના મોહમાં આવી ગયા બાદ ફસાયેલા ભારતીયો પાસે ઓછા પગારમાં કામ કરવા સિવાય વિકલ્પ રહેતો નથી. આમ, મોટાભાગના ભારતીયોની સ્થિતિ દયનીય છે.