Get The App

ડિપોર્ટ થયેલા પરિવારના માતા-પિતાની વ્યથા: 'અમે જમીન વેચીને દીકરાને સુરતમાં ઘર લઈ દીધું હતું, તેને વેચીને એ અમેરિકા ગયો હતો'

Updated: Feb 6th, 2025

GS TEAM


Google News
Google News
ડિપોર્ટ થયેલા પરિવારના માતા-પિતાની વ્યથા: 'અમે જમીન વેચીને દીકરાને સુરતમાં ઘર લઈ દીધું હતું, તેને વેચીને એ અમેરિકા ગયો હતો' 1 - image


U.S. Deportation of Indian Migrants: ગેરકાયદે અપ્રવાસીઓ વિરૂદ્ધ ચલાવવામાં આવી રહેલા અમેરિકન ડોનાલ્ડ ટ્રમ્પના અભિયાન બાદ અમેરિકન સેનાનું પ્લેન 104 ભારતીય પ્રવાસીઓને લઈને અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. જેમાં ગુજરાતના 33 લોકો સામેલ હતા. આ 33 લોકોમાં પાટણ જિલ્લાના 5 લોકોનો પણ સમાવેશ થાય છે.

અમેરિકન સૈન્ય વિમાનથી ભારત પરત મોકલી દેવાયેલા લોકોમાં પાટણ જિલ્લાના મણુદ ગામના એક જ પરિવારના 4 સભ્યો અને સિદ્ધપુર તાલુકાના ગણેશપુરાના 1 સભ્યનો સમાવેશ થાય છે. ડિપોર્ટ થઈ રહેલા મણુદ ગામના કેતુલભાઈ(ઉ.વ.40)ના માતા-પિતાએ કેટલીક ચોંકાવનારી વાત કરી છે. તેમના અનુસાર, તેમના દીકરાએ પરિવાર સાથે અમેરિકા જવા માટે સુરતમાં પોતાનું ઘર વેચી દીધું હતું. પરંતુ અમેરિકામાં 6 મહિના વીત્યા બાદ તેમણે પરત મોકલી દેવાયા છે.

કેતુલભાઈ 5 મહિના પહેલા અમેરિકા ગયા હતા

કેતુલભાઈના માતા-પિતાના જણાવ્યા અનુસાર, તેમને બે દીકરા રાકેશ અને કેતુલ સુરત રહેતા હતા. પરંતુ હીરાના ઉદ્યોગમાં મંદી આવતાં તેમનો એક દીકરો કેતુલ આજથી 5 મહિના પહેલા પોતાની પત્ની કિરણબેન અને બે બાળકો સાથે અંદાજિત 50 લાખ જેટલો ખર્ચ કરીને કોઈ એજન્ટ મારફતે અમેરિકા ગયો હતો. પરંતુ પોતાનો દીકરો તેના પરિવાર સાથે ભારત પરત હેમખેમ આવી રહ્યો હોય એ જ બાબતેને મહત્ત્વની ગણાવી ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો.

'કેતુલ પોતાનું ઘર વેચીને અમેરિકા ગયો હતો'

તેમના જણાવ્યા અનુસાર, છેલ્લા 25 વર્ષથી પોતાના બન્ને દિકરાઓ તેઓના પરિવાર સાથે સુરતમાં રહેતા હતા અને હીરા ઉદ્યોગમાં નોકરી કરતા હતા. હીરા બજારમાં મંદી આવતા તે છેલ્લા 5 થી 6 મહિનાથી પરિવારના સભ્યો સાથે ભરણ પોષણ માટે અમેરિકા ગયો હોવાનું જાણવા મળ્યું હતું. કેતુલે પોતાનું સુરત ખાતેનું ઘર વેચીને પરિવાર સાથે એજન્ટ મારફતે અમેરિકા ગયો હતો.

'ગામનું ખેતર વેચીને દીકરાને સુરતમાં ઘર લઈ આપ્યા હતા'

કેતુલની માતાએ જણાવ્યું હતું કે, 'ગામનું ખેતર વેચીને બે દીકરાને સુરતમાં ઘર લઈ આપ્યા હતા. ત્યારે કેતુલે તેનું ઘર ક્યારે અને કેટલામાં વેચ્યું એ પણ અમને ખબર નથી.'

'દીકરો સાજો સારો ખરે આવે તે મહત્ત્વનું'

કેતુલની માતાએ જણાવ્યું હતું કે, 'અમને ચિંતા થાય છે પણ ભગવાનને ગમ્યું એ ખરું. સાજા સારા તેઓ ઘરે આવે એ જ અમારે મહત્ત્વનું છે. દીકરો પાછો આવશે તો અહીંયા ઘરે સૌ સુખ-શાંતિથી ભેગા રહીશું.'

'અમને ટીવી સમાચારથી ખબર પડી કે કેતુલ પરત આવે છે'

કેતુલની માતાએ જણાવ્યું હતું કે, 'ટીવીના સમાચાર પરથી ખબર પડી કે અમેરિકાથી કેટલાક ભારતીયોને ત્યાંની સરકાર પરત ભારત મોકલી રહ્યા છે અને તે ભારતીયોમાં પોતાના દિકરા કેતુલ સહિત તેના પરિવારનો પણ સમાવેશ હોવાનું જાણવા મળ્યું હતું.'


Tags :