ચાંદીપુરાના લક્ષણો જણાતા જ તાત્કાલિક સારવાર જરૂરી, મોડું થાય તો મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરનું જોખમ
Chandipura virus: ગુજરાતમાં છેલ્લા બે સપ્તાહ દરમિયાન ચાંદીપુરાના કેસમાં સતત વધારો થયો છે અને અત્યાર સુધી 40થી વઘુ બાળકોના મૃત્યુ થયા છે. ચાંદીપુરામાં તાકીદની સારવાર ખૂબ જ જરૂરી છે અને સારવારમાં વધારે પડતાં વિલંબથી મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરનું જોખમ રહેલું છે તેમ ડોક્ટરોનું માનવું છે.
ચાંદીપુરા વરસાદી ૠતુમાં જોવા મળે છે
ડોક્ટરોના મતે ચાંદીપુરા વાયરલ એન્કેફેલાઇટિસ રોગ સામાન્યપણે વરસાદી ૠતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે. 9 મહિનાથી 14 વર્ષની ઉંમર સુધીના બાળકને સેન્ડ ફ્લાયના કરડવાથી ચાંદીપુરા થવાનું જોખમ રહે છે.
લક્ષણો જણાતાં જ તાકીદની સારવાર ખૂબ જરૂરી
હાઇગ્રેડ તાવ, ઝાડા-ઉલ્ટી, માથાનો દુખાવો, ખેંચ આવવી એ આ રોગના મુખ્ય લક્ષણો છે. ચાંદીપુરા વાયરસથી એન્સેફેલાઇટિસ એટલે કે મગજના ભાગમાં સોજો પણ આવી શકે છે. મગજના ભાગમાં સોજો આવ્યા બાદ સંક્રમણ વઘુ ઝડપે ફેલાય છે. ડો. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આ પ્રકારના લક્ષણો જણાય તો બાળકને તાકીદે સારવાર માટે ડોક્ટર પાસે લઇ જવા જોઇએ.
આ પણ વાંચો: પાલીતાણા શહેરની વધુ બે ધર્મશાળાઓને નોટીસ ફટકારાઈ
મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરનું જોખમ
ડોકટરે વધુમાં કહ્યું કે, 'બાળકને વધારે તાવ અને સતત ખેંચ આવતી હોય તો તાકીદે નજીકના હોસ્પિટલમાં લઇ જવું જોઇએ. વારંવાર ખેંચ આવવાને કારણે ઓક્સિજનના સ્તરમાં વધ-ઘટ થવા લાગે છે અને જેના કારણે ફેફસા, હૃદય, લીવર, કિડની જેવા વિવિધ અંગોને નુકસાન થવાનું જોખમ રહેલું છે.'