વડોદરા કોર્પોરેશને નિલાંબર ગ્રુપને સર્કલ ડેવલપ કરવા મંજૂરી આપી છતાં ભાજપ કોર્પોરેટરે નામ બદલી નાખતા વિવાદ : બિલ્ડરોને ચીમકી
Vadodara : રાજ્ય સરકારના લોક ભાગીદારીની યોજના અંતર્ગત વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ સર્કલો ખાનગી કંપની બિલ્ડરો અને સ્વૈચ્છિક સંસ્થાઓને જવાબદારી સોંપવામાં આવી છે. તેની સામે હવે ભાજપના કોર્પોરેટર દ્વારા જ વિરોધ શરૂ થયો છે. ગઈકાલે ભાજપના વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર દ્વારા બે સર્કલ પર બિલ્ડરોના નામ હટાવી દેતા વિવાદ સર્જાયો હતો.
વડોદરા શહેરના ભાયલી વિસ્તારનો વિકાસ થતા ચાર રસ્તા પર સર્કલ બનાવવાની અને તેનું કાયમી ધોરણે મેન્ટેનન્સ કરવાની જવાબદારી નિલામબર ગ્રુપને કોર્પોરેશન દ્વારા સોંપવામાં આવી હતી. જે અંગે કોર્પોરેશન અને નીલાંબર ગ્રુપ વચ્ચે લેખિતમાં કયા પ્રકારનું સર્કલ બનાવશે તેના નકશા અને એમઓયુ કરવામાં આવ્યા હતા અને છેલ્લા કેટલાક વર્ષોથી નીલાંબર ગ્રુપ તેનું મેન્ટેનન્સ કરી રહ્યું છે.
ભાયલી વિસ્તારમાં ચાર રસ્તા પર નીલાંબર સર્કલ વર્ષોથી બનાવવામાં આવ્યું હતું એનું નામ ગઈકાલે વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર નીતિન ડોંગાએ બદલીને લાલ ગુરુ સર્કલ નામ આપ્યું હતું. કોર્પોરેશન દ્વારા નીલાંબર ગ્રુપને સર્કલની મંજૂરી આપવામાં આવી હોવાથી આજે બિલ્ડરના કર્મચારીએ તે બોર્ડ ઉતારી પરત નીલાંબર સર્કલનું બોર્ડ લગાવ્યું હતું. જેની જાણ ભાજપ કોર્પોરેટરને થતા તેઓએ સ્થળ પર પહોંચી જઈ હોબાળો મચાવ્યો હતો અને બિલ્ડરને ચીમકી આપી હતી કે, વડોદરા કોઈની જાગીર નથી કે બિલ્ડરો મનસ્વી રીતે પોતાના ગ્રુપનું નામ સર્કલ સાથે જોડી દે, પારેશ્વર મહાદેવ અને લાલ ગુરુના નામની તકતી બિલ્ડરો દ્વારા હટાવી દેવામાં આવી છે તે યોગ્ય નથી. ગ્રુપના નામનું સર્કલ રાખવામાં નહીં આવે તેમ કહી બિલ્ડરોને ચીમકી આપી હતી કે તમારાથી થાય તે કરી લેજો પણ આ સર્કલ ઉપર તમારા નામની તકતી લાગશે નહીં. નીલાંબર સર્કલનું નામ મંજૂરી આપવા છતાં બદલી નાખવામાં આવતા સ્થળ પર બિલ્ડરના કર્મચારીઓ અને નીતિન દોંગા વચ્ચે તું તું મેં મેં પણ થઈ હતી. જેથી પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને પોલીસે દરમિયાનગીરી કરી મામલો શાંત પાડ્યો હતો અને કોઈ કાર્યવાહી કર્યા વિના પોલીસે સમજાવટથી ભાજપના કોર્પોરેટરને તે સ્થળેથી શાંતિપૂર્વક રીતે રવાના કર્યા હતા.