વડોદરાના બાપોદ ખાતે સિદ્ધેશ્વર હિલસ્ટોનના રહીશોનો સુવિધા મામલે બિલ્ડર દ્વારા છેતરાતા હોબાળો : પોલીસ બોલાવવી પડી
Vadodara News : વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં આવેલા શ્રી સિદ્ધેશ્વર હિલસ્ટોનના રહીશોને બિલ્ડર દ્વારા જણાવ્યા પ્રમાણેની સુવિધા નહીં મળતા શ્રી સિદ્ધેશ્વર હાય... હાય...ના નારા લગાવી પોતાનો રોષ હાલવ્યો હતો અને પોતે અહીં મકાન લઈ છેતરાયા હોવાની અનુભૂતિ વ્યક્ત કરી છે.
વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારમાં શ્રી સિદ્ધેશ્વર નામથી અનેક સ્કીમ જાણીતા બિલ્ડર દ્વારા રજૂ કરવામાં આવી છે. પરંતુ બિલ્ડર દ્વારા અહીં મકાન ધારકને જે જણાવવામાં આવે છે તે પ્રમાણેની તમામ સુવિધા મળતી નહીં હોવાની બૂમો ઊઠી છે. ગતરોજ રાતના સમયે બાપોદ વિસ્તારમાં આવેલ શ્રી સિદ્ધેશ્વર હિલસ્ટોનના રહીશો એકઠા થયા હતા અને ભારે હોબાળો મચાવતા અહીં બાપોદ પોલીસ સ્ટેશનની ટીમ દોડી આવી હતી. રહીશોએ જણાવ્યું હતું કે, શ્રી સિદ્ધેશ્વરના બિલ્ડરો દ્વારા અમને જે પ્રાથમિક સુવિધા આપવાની વાત કરવામાં આવી છે તે પૈકી તેઓએ પોતાની ઘણી સુવિધાઓ અહીં આપી નથી. શ્રી સિદ્ધેશ્વર હિલસ્ટોનના મુખ્ય માર્ગથી અંદર આવતા અનેક જગ્યાએ ગંદકી, કાદવ કિચડ હોવાથી અહીં પ્રવેશવા જતા રહીશો વારંવાર જમીન પર પટકાય છે અને તે પૈકી એક, બે જણને ફેક્ચર થઈ ચૂક્યા છે. ઉપરાંત છેલ્લા 15 દિવસથી બોરનું પાણી આવે છે પરંતુ તે ખૂબ વાસ મળતું પાણી આવે છે અને તેથી પી શકાતું નથી. ગંદા પાણીના કારણે અહીંના એક છોકરાને કમળો પણ થઈ ગયો છે. મોટાભાગના રહીશો ગંદા પાણીના કારણે પેટમાં દુખાવાની ફરિયાદ કરી રહ્યા છે. અહીં જનરેટરની સુવિધા ન હોવાથી વારંવાર લિફ્ટ બગડી જાય છે અને લિફ્ટમાં નાના બાળકો, મહિલા અને વૃદ્ધો ફસાઈ જવાની ઘટના બની ચૂકી છે. અંદાજે મહિનામાં 10થી 15 વાર લિફ્ટ બગડી જાય છે. મોંઘા ફ્લેટ લીધા પછી જો તેના વળતર પ્રમાણે યોગ્ય સુવિધા મળતી ન હોય તો અમે છેતરાયા હોવા સિવાય બીજી કોઈ અનુભૂતિ કરી શકતા નથી.
શ્રી સિદ્ધેશ્વર હિલસ્ટોનના રહીશોએ પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, અહીં 350 ઉપરાંત પરિવારો રહે છે પરંતુ તેઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર સેફ્ટી, એક્ઝિટ ઝોન, 24 કલાક લિફ્ટ માટે યોગ્ય જનરેટર વગેરે જેવી પ્રાથમિક સુવિધા શ્રી સિદ્ધેશ્વર ઇન્સ્ટોલ ખાતે પૂરી પાડી શકાઇ નથી. અહીંના બિલ્ડર શૈલેષભાઈની સહી દ્વારા અમોને તારીખ 15 જૂન 2014 સુધી સમગ્ર સુવિધા પૂરી પાડવાનું લખાણ આપવામાં આવ્યું છે પરંતુ તે વાયદા હજુ પૂર્ણ થયા નથી. શ્રી સિદ્ધેશ્વર જે પ્રમાણે નામ છે તે પ્રમાણે અહીં રહેતા લોકોને સુવિધા મળતી નથી તેવી રજૂઆત રહીશો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.