Get The App

કલોલમાં શ્રી રામ હોસ્પિટલના તબીબની બેદરકારીથી બાળકીના મોત મુદ્દે હોબાળો, લોકોનું ટોળું એકઠું થયું

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
કલોલમાં શ્રી રામ હોસ્પિટલના તબીબની બેદરકારીથી બાળકીના મોત મુદ્દે હોબાળો, લોકોનું ટોળું એકઠું થયું 1 - image


Kalol News :  કલોલના વર્ધમાન નગરમાં આવેલા શ્રીરામ કાન નાક ગળાની હોસ્પિટલમાં છ વર્ષની બાળકીનું કાન નાક અને ગળાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ઓપરેશન બાદ બાળકી બેભાન થઈ ગઈ હતી જેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી. જ્યાં તેનો સારવાર દરમિયાન મોત થયું હતું. બાળકીનું મોત નીપજતા પરિવારજનો ઉપર દુઃખનો પહાડ તૂટી પડયો હતો અને તેઓએ કલોલના શ્રીરામ કાન નાક ગળાની હોસ્પિટલના ડોક્ટર ઉપર બેદરકારીના આક્ષેપો કર્યા હતા. પોલીસને ઘટનાની જાણ કરતાં પોલીસ દોડી આવી હતી.

વિરમગામ રહેતા હેતલબેન તુષારભાઈ ગોવાણીની છ વર્ષની દીકરી ક્રીશ્વીને કાનમાંથી રસી આવતી હતી જેથી તેઓ તેમના પરિચિત ડોક્ટર મેહુલ પૂજારાની હોસ્પિટલ કે જે કલોલમાં આવેલી છે તેમના ત્યાં નિદાન અર્થે આવ્યા હતા. ત્યારે હોસ્પિટલના ડોક્ટર મેહુલ પૂજારાએ બાળકીને નાકમાં મસા તથા ગળામાં કાકડા અને કાનમાં તકલીફ હોવાનું જણાવી દવા આપી હતી અને એ દવાથી મટે નહીં તો ઓપરેશન કરવાનું જણાવ્યું હતું.

દવાનો કોર્સ પૂરો થતાં તેઓ ફરીથી કલોલ હોસ્પિટલમાં બાળકીને બતાવવા માટે આવ્યા હતા ત્યારે હોસ્પિટલના તબીબે ઓપરેશન કરવું પડશે તેમ જણાવતા તેઓ બાળકીનું ઓપરેશન કરાવવા તૈયાર થયા હતા. ત્યારબાદ બાળકીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી હતી જ્યાં બાળકીને એનેસ્થેસિયા આપવામાં  આવ્યો હતો અને તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

ઓપરેશન બાદ બાળકી  ભાનમાં આવતી ન હોવાથી એને એનેસ્થેસિયા આપનાર મહિલા ડોક્ટરે તેને ભાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ બાળકીનું ઓક્સિજન લેવલ અને ધબકારા પણ ઓછા થઈ ગયા હતા બાળકી ભાનમાં નહીં આવતા પીડીયાટ્રીકને જાણ કરવામાં આવતા તેઓ એમ્બ્યુલન્સ સાથે હોસ્પિટલમાં આવ્યા હતા અને તેઓએ પણ બાળકીને  ભાનમાં લાવવા પ્રયત્ન કર્યો  હતો તેમ છતાં તેનામાં કોઈ ફેર પડયો ન હતો અને તેની હાલત ગંભીર થઈ ગઈ હતી જેથી તેને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

બાળકીને એમ્બ્યુલન્સમાં અમદાવાદ ખસેડતા હતા તે વખતે તેની માતાએ એમ્બ્યુલન્સમાં સાથે આવવાનું કહેતા તે લોકોએ ના પાડી દીધી હતી તેમજ બાળકીની માતાએ કહેલ હોસ્પિટલમાં નહીં લઈ જતા અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેને ચાર દિવસ ઉપર રાખવામાં આવી હતી અને તારીખ 17 ડિસેમ્બર 2024ના રોજ બાળકીનું હોસ્પિટલના બીછાને મોત નીપજ્યું હતું બાળકીના અકાળે મોતથી પરિવારજનો ઉપર દુઃખનો પહાડ તૂટી પડયો હતો.

બાળકીની અંતિમ ક્રિયા કર્યા બાદ તેના પરિવારજનો કલોલ આવી ચડયા હતા અને તેઓએ ડોક્ટરને મળીને તેમની સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. બનાવને પગલે લોકોનું ટોળું હોસ્પિટલ પાસે એકત્ર થઈ ગયું હતું ત્યારે બાળકીના સગા દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને મામલો પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો.

પરિવારજનોએ બાળકીના મોત અંગે ડોક્ટરની ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં વેન્ટિલેટર કે ઓક્સિજનની સુવિધા ન હોવા છતાં તેણે ઓપરેશન કર્યું હતું તેના કારણે બાળકીને બચાવી શકાય ન હતી આમ તેઓએ ગંભીર આક્ષેપ કર્યા હતા. 


Google NewsGoogle News