Get The App

ધોરાજીનાં નાની પરબડી ગામે યુવાનની હત્યા બાદ હોબાળો, રોષભેર ચક્કાજામ

Updated: Dec 5th, 2024


Google NewsGoogle News
ધોરાજીનાં નાની પરબડી ગામે યુવાનની હત્યા બાદ હોબાળો, રોષભેર ચક્કાજામ 1 - image


પોલીસ વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરીને લાશ સ્વીકારવા ઈન્કાર

ગળા અને માથાનાં ભાગે ઈજા થયેલી હાલતમાં યુવાનની લાશ મળી, પોલીસે આઠ કલાકે ફરિયાદ નોંધી પણ હત્યારાને નહીં પકડી શકતા આક્રોશ

ધોરાજી: ધોરાજી તાલુકાનાં નાની પરબડી ગામે આજે દલિત યુવાનની હત્યા બાદ હોબાળો મચી ગયો હતો. પોલીસે આઠ કલાકે ફરિયાદનોંધી, પણ મોડી સાંજ સુધી હત્યારાને નહીં પકડી શકતા આક્રોશ ફેલાયો હતો. પરિણામે ધોરાજીમાં આજે  દલિત સમાજનાં ટોળા માર્ગો પર ઉતરી આવ્યા હતા અને પોલીસ વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરીને લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દેતાં આખો દિવસ અજંપાનો માહોલ રહ્યો હતો. જેથી પોલીસનાં ધાડા ઉતારીને મોડી રાત સુધી સમજાવટનાં પ્રયાસો ચાલતા રહ્યા હતા. 

વિગત પ્રમાણે ધોરાજીનાં નાની પરબડી ગામે રહેતા ઉકાભાઈ રાઘવભાઈ સાગઠીયાનો રપ વર્ષનો અપરિણીત પુત્ર વિમલ જમવા માટે ગયા બાદ રાત્રે આઠ વાગ્યે પરત આવ્યો હતો. બાદમાં ફરી બાઈક લઈને બહાર ગયા બાદ રાત્રે પરત આવ્યો નહોતો અને મોબાઈલ ફોન પણ બંધ આવતો હતો, આ દરમિયાન વહેલી સવારે એક સંબંધીએ જાણ કરી કે, ફૂલજર નદીના કાંઠે સુરાપુરા બાપાનાં મંદિર પાસે વિમલ બેભાન હાલતમાં પડયો છે. 

પરિણામે પરિવારજનો તુરંત દોડી ગયા હતા, જયાં જઈને જોતા વિમલની આંખમાંથી લોહી નીકળતું હતું અને ગળાનાં ભાગે પણ ઈજાનાં નિશાન હતા. બાજુમાં બાઈક પણ પડયું હતું અને થોડે દૂર સેવમમરા તથા દારૂની કોથળીઓ પણ મળી આવી હતી. જેથી ઈજાગ્રસ્ત યુવાનને તુરંત ધોરાજી સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા, પણ ત્યાં ડોકટરે મૃત જાહેર કરતા પરિવારજનોમાં આક્રંદ પ્રસરી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને સ્થળ નિરીક્ષણ તથા મૃતદેહનાં પોસ્ટમોર્ટમ સહિતની કવાયત હાથ ધરી હતી. 

બીજી તરફ આજે સવારે મૃતદેહ જોતા જ હત્યા થયાનો અંદાજ આવી જવા છતાં પોલીસે ખૂનનો ગુનો દાખલ કરીને હત્યારાને શોધવાની દિશામાં પગલાં નહીં ભર્યાનું લાગતા ધોરાજીમાં દલિત સમાજનાં આગેવાનો અને લોકોનાં ટોળા ઉમટી પડયા હતા અને ગેલેકસી ચોકમાં બેસી જઈને પોલીસ વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરવા સાથે ચક્કાજામ કર્યો હતો. આ સાથે પોલીસ હત્યાની ફરિયાદ નોંધે નહીં અને હત્યારાને પકડે નહીં ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનું એલાન કરતા પોલીસ તંત્રને દોડધામ થઈ ગઈ હતી.

અંતે પોલીસે બપોરે ૪ વાગ્યે મૃતક વિમલનાં માતા દૂધીબેન ઉકાભાઈ સાગઠીયાની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. આ સાથે એસપી જયપાલસિંહ રાઠોડની સુચનાથી ગોંડલનાં ડીવાયએસપી કિશોરસિંહ ઝાલા તાબડતોબ ધોરાજી દોડી આવ્યા હતા અને દલિત સમાજને સમજાવવાનાં પ્રયાસો હાથ ધર્યા હતા. બીજી તરફ એલસીબી અને ડોગ સ્કવોડની મદદથી તપાસનો ધમધમાટ ચાલુ કરી દેવાયો હતો. જોકે, મોડી રાત સુધી હત્યારાનાં કોઈ સગડ નહીં મળતા દલિત સમાજમાં રોષ યથાવત રહ્યો હતો. 

એક આરોપીને પકડયાની બાયંધરી બાદ લાશ સ્વીકારી

નાની પરબડી ગામે યુવાનની હત્યા બાદ દલિત સમાજે આરોપીને પકડી લેવાની માંગ સાથે લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. જોકે રાત્રે પોલીસે એક આરોપી સકંજામાં આવી ગયાની બાયંધરી આપતા પરિવારજનો મૃતદેહ સ્વીકારવા સહમત થયા હતા. રાજકોટ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ મોડી રાત્રે મૃતદેહને નાની પરબડી ગામે લઈ જઈ અંતિમવિધ કરવાનો નિર્ણય લેવાયો હતો.જેથી ધોરાજીમાં સાંજે પણ બે કલાક ચક્કાજામ કરનાર દલિત સમાજનાં આગેવાનો અને લોકો નાની પરબડી જવા રવાના થયા હતા.


Google NewsGoogle News