વડોદરા શહેરમાં પૂરને એક મહિનો થઈ ગયા છતાં પૂર્વ વિસ્તારમાં સહાય નહીં મળતા હોબાળો

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
વડોદરા શહેરમાં પૂરને એક મહિનો થઈ ગયા છતાં પૂર્વ વિસ્તારમાં સહાય નહીં મળતા હોબાળો 1 - image


Vadodara : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં એક મહિનો થઈ ગયા છતાં પણ આજ દિન સુધી સરકારી સહાય અંગે સર્વે નહીં થતા આજે ભાજપના વોર્ડ નંબર પાંચના મહિલા કોર્પોરેટર અને વોર્ડ નંબર 15 ના પુરુષ કોર્પોરેટરે તલાટી ઓફિસ ખાતે પહોંચી જઈ ઉગ્ર રજૂઆતો કરી હતી. મહિલા કોર્પોરેટરે આક્ષેપ કર્યો હતો કે મહિલા નાયબ મામલતદાર વિસ્તારમાં જઈ મારે ઘર ભાડે જોઈએ છે અને આ વિસ્તારમાં પાણી ભરાયા હતા કે નહીં કેમ બહાનું કાઢી સર્વે કરી રહ્યા હતા એટલે કે નૈતિકતાથી સર્વે કરવામાં આવતો નથી તેમ સ્પષ્ટ જણાઈ આવે છે. 

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રાજ્ય સરકારના નિયમ પ્રમાણે પૂરની પરિસ્થિતિમાં કાચા પાકા જે કોઈ મકાનો હોય તેમાં નુકસાન થયું હોય તેને રૂપિયા 5000 ની સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે અનેક વિસ્તારોમાં હજી સર્વે ચાલી રહ્યો છે. પૂર આવ્યાને એક મહિનાનો સમય થઈ ગયો છતાં પણ હજી લોકોને સહાય મળતી નથી. 

પૂર્વ વિસ્તારમાં સર્વે કરવા માટે છેલ્લા કેટલાક સમયથી ભાજપના કોર્પોરેટરો અને તલાટી દફતર વચ્ચે સંકલન રાખીને વિવિધ વિસ્તારોનો સર્વે કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આજે મહિલા નાયબ મામલતદાર બાપોદ અને તેની આસપાસના વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમણે પોતાની ઘર ભાડે જોઈએ છે અને આ વિસ્તારમાં પાણી ભરાયા હતા તે કેમ-કેમ પૂછતા લોકોએ મકાન ભાડે આપવાનું બહાનું હોવાથી અનેક લોકોએ તેઓને આ વિસ્તારમાં પાણી ભરાયું નથી તેમ જણાવ્યું હતું. જેથી આ વિસ્તારને સહાયથી વંચિત રાખવામાં આવ્યો હતો. 

આ બાબતની જાણ વોર્ડ નંબર ચારના મહિલા કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવાને થતા તેઓ તલાટી દફતર ખાતે પહોંચ્યા હતા. જ્યાં નાયબ મામલતદાર સાથે રકઝક થઈ હતી ત્યારે પોલીસ બોલાવવાની પણ ધમકી આપવામાં આવતા મામલો ગરમાયો હતો અને સ્થાનિક રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે યોગ્ય રીતે સર્વે કરવો જોઈતો હતો, પરંતુ મકાન ભાડે લેવાનું બહાનું કાઢીને નાયબ મામલતદાર ખોટી રીતે સર્વે કરવાની હતા તે યોગ્ય બાબત નથી. તેમ કહીને લોકોએ મહિલા નાયબ મામલતદારનો ઉધડો લીધો હતો.

દરમિયાનમાં વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર આશિષ જોશી પણ તલાટી ઓફિસે પહોંચ્યા હતા. તેમણે પણ અનેક વિસ્તારો રહી ગયા છે તેના માટે મામલતદાર સાથે ચર્ચા કરીને આજે રજાના દિવસે પણ વિવિધ વિસ્તારોનો સર્વે કરવા માટે ટીમ મોકલવામાં આવી હોવાની જાણકારી નાયબ મામલતદારને આપી હતી અને મકાન ભાડે લેવાના બહાને ખોટી રીતે સર્વેની કામગીરી કરવામાં આવે તે યોગ્ય નથી તેવી રજૂઆત કરી હતી. સાથે-સાથે બાપોદ વિસ્તારમાં વૈકુંઠ સોસાયટીમાં પણ લોકોને હજી સુધી સહાય પહોંચી નથી તે ઉપરાંત અનેક વિસ્તારો રહી ગયા છે તેની યાદીમાં સમાવેશ કરવા રજૂઆત કરી હતી. 

આ રજૂઆતો સાંભળી મહિલા નાયબ મામલતદારે સ્પષ્ટતા કરી હતી કે અમારી બે ટીમ દરેકના ઘરે જઈને સર્વે કરી રહી છે તમામ લોકોના ફોર્મ ભરીને આપવાની પ્રથા નથી ટીમના સભ્યો ઘરે જઈને વિગતો મેળવી સહાય ચૂકવવાની હોય છે તે સરકારી પ્રક્રિયા કરવામાં આવી રહી છે ત્યારે મારે પણ જે વિસ્તારોનો સર્વે કરવામાં આવ્યો છે તેનું ક્રોસ વેરીફીકેશન પણ કરવાની જવાબદારી છે જેથી વિવિધ અનેક વિસ્તારોમાં જઈને પાણી ભરાયા જ છે કે કેમ તેની જાણકારી મેળવી હતી તો અનેક લોકોએ ઘરમાં પાણી ભરાયા નથી એની સ્પષ્ટતા પણ કરી છે તેમ છતાં તમારા સૌની રજૂઆત હોય તે પ્રમાણે આદરણીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.


Google NewsGoogle News