વડોદરામાં તાંદલજાના સ્થાનિક રહીશોનો ગંદા પાણી પ્રશ્ને મોરચો : વોર્ડ કચેરીએ હલ્લાબોલ
Vadodara Dirty Water Protest : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર તાંદલજામાં છેલ્લા 20 વર્ષથી સર્જાતા દૂષિત પાણીના પ્રશ્ન સ્થાનિક રહીશોએ વોર્ડ ઓફિસે હલ્લો બોલાવ્યો હતો. જોકે મોરચાને સિક્યુરિટી ગાર્ડે રોકીને માત્ર બે કે ત્રણ વ્યક્તિ અધિકારીને મળવા માટે જવા માટે ફરમાન કરતા સ્થાનિક લોકોએ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ વિસ્તાર વોર્ડ નં.10 માં તાંદલજા ખાતે છેલ્લા 20 વર્ષથી પીવાના દૂષિત અને દુર્ગંધવાળા પાણીથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે આ અંગે વોર્ડ ઓફિસે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે છતાં પણ પાલિકા તંત્રનું પેટનું પાણી હાલતું નથી. દરમિયાન ત્રાહિમામ થયેલા લોકો સ્થાનિક સામાજિક કાર્યકરના નેજા હેઠળ પાલિકા વોર્ડ કચેરીએ પહોંચ્યા હતા. ભારે સૂત્રોચાર સાથે પહોંચેલા સ્થાનિક રહીશોને સિક્યુરિટી જવાને રોક્યા હતા. સ્થાનિક રહીશો પૈકીના માત્ર બેથી ત્રણ જણાને કચેરીની ઓફિસમાં જવાની મંજૂરી આપતા સ્થાનિક રહીશોનું ટોળું ઉશ્કેરાયું હતું. ત્યારબાદ ભારે સૂત્રોચ્ચાર સાથે ટોલાએ ભારે હલ્લો મચાવીને સ્થાનિક વોર્ડ કચેરીમાં અધિકારીને મળવા પહોંચી ગયું હતું. જ્યાં પાણી પ્રશ્ને ઉગ્ર રજૂઆતો કરી હતી.