સવારે ચાર વાગ્યાથી આવેલા આવાસના લાભાર્થીઓને "ફોર્મ નહીં મળે" તેવું જણાવતા વડોદરાની કોટક મહિન્દ્રા બેંકમાં હોબાળો
Vadodara : વુડા દ્વારા શહેરી આવાસ યોજના માટેના ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે અને તે રાષ્ટ્રીયકૃત બેંક ખાતેથી મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આજે સુભાનપુરા ખાતેની બેંકમાં વહેલી સવારથી લાઈનમાં ઉભેલા લોકોને "આજે ફોર્મનું વિતરણ થશે નહીં" તેવું મોડેથી જણાવવામાં આવતા ફોર્મ લેવા આવેલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
વુડા દ્વારા શહેરી વિકાસ યોજના અંતર્ગત ઇડબલ્યુએસના 103 મકાનોને એલોટ કરવા માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે. 1 BHK ના ફોર્મ ઇન્ડસન્ડ બેંક જ્યારે 2 BHKના ફોર્મ સુભાનપુરા સ્થિત કોટક મહિન્દ્રા બેન્કમાંથી આપવામાં આવે છે. ફોર્મ લેવા ખૂબ મોટી સંખ્યામાં અરજદારો આવતા હોવાથી સવારે 4 વાગ્યાથી બેંકની બહાર લાઈન લાગી જાય છે. આજે મળસ્કે આવેલા અરજદારોને બેંક ખૂલ્યાના 10 વાગ્યા પછી જણાવવામાં આવ્યું હતું કે, "જરૂરી માત્રામાં ફોર્મ ઉપલબ્ધ નથી, જેથી આજે ફોર્મનું વિતરણ કરવામાં આવશે નહીં" જેથી કલાકો સુધી બેંકની બહાર બેસી રહેલા અરજદારોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. સરકારી આવાસ યોજના માટે ફોર્મ વિતરણ કરી રહેલ બેંકના વલણ અંગે પૂર્વ કોર્પોરેટર વિરેન રામીએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકાર પાસે જો ગરીબ આવાસ યોજનાના ફોર્મ પણ ઉપલબ્ધ ન હોય તે અત્યંત શરમજનક બાબત છે. સવારે ચાર વાગ્યાથી અરજદારો પોતાના બાળકો સાથે ફોર્મ લેવા આવી જતા હોય છે અને મોડેથી તેઓને આ પ્રકારની જાણ કરવામાં આવે તે અત્યંત શરમજનક બાબત છે. ફોર્મ વિતરણ કરવામાં ન આવવાનું હોય તો તેની આગોતરી જાણ થવી જોઈએ, જેથી દૂર દૂરથી આવતા ગરીબ લોકોને રીક્ષા ભાડા સહિતની મુશ્કેલી ન સર્જાય. એમણે એમ પણ જણાવ્યું કે, ફોર્મના રૂપિયા 100 રાખવામાં આવ્યા છે તે બાબત પણ અત્યંત ખોટી છે, ફોર્મની રકમ અત્યંત ઓછી અને પોષાય તેવી રાખવી જોઈએ, જેથી ગરીબ અરજદારોને રાહત મળી શકે.