Get The App

વડોદરામાં ટોળાએ ચોર સમજી બે યુવકને માર માર્યો, સારવાર વખતે એકના મોતથી ખળભળાટ

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
વડોદરામાં ટોળાએ ચોર સમજી બે યુવકને માર માર્યો, સારવાર વખતે એકના મોતથી ખળભળાટ 1 - image


Vadodara News : વડોદરા શહેર જિલ્લામાં એકતરફ ચોર લૂંટ આચરતી ટોળકી સક્રિય બનતાં લોકો દેહશતમાં જીવી રહ્યા છે. બીજી બાજુ પોલીસ કમિશનર અને તેમની ટીમ વિવિધ વિસ્તારોમાં ફરીને અફવાથી દૂર રહેવું તેવી વિનંતી કરતા રહ્યા છે. ત્યારે શુક્રવારે મોડી રાત્રે વારસિયા ઝૂલેલાલ મંદિર પાસે લઘુમતી કોમના ત્રણ યુવક ચા પીવા ગયા હતા. ત્યારે લોકોના ટોળાએ બે યુવકને પકડીને જાહેરમાં માર મારી વીડિયો વાયરલ કર્યો હતો. બંને યુવાનો ગંભીર રીતે ઘાયલ થતાં સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા એક યુવાનનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક યુવક સારવાર ચાલી રહી છે તો અન્ય એક યુવક ટોળાની ચુંગાલમાંથી બચવામાં સફળ રહ્યો હતો.  

વડોદરા શહેર જિલ્લામાં રાત્રિના સમયે વિવિધ વિસ્તારોમાં રોજબરોજ ચોરીના બનાવો બનતા રહે છે. હવે તો લોકોએ પોતાના ઘરની આજુબાજુમાં પણ સીસીટીવી લગાવી દીધા છે. જેથી અનેક કિસ્સામાં ચોર ટોળકીના સભ્યો કેદ થયા છે. તો બીજીબાજુ વડોદરા શહેર જિલ્લામાં આવા વીડિયો અન્ય જિલ્લાના હોવાનું જણાવી લોકોને અફવાથી દૂર રહેવા અને આવા કોઈ ચોર જણાઈ આવે તો તેઓને મારવા નહીં અને પોલીસને બોલાવીને સોંપી દેવા તેવી સલાહ આપવામાં આવી રહી છે. 

શુક્રવારે પોલીસ કમિશનર નરસિમ્હા કોમર તેમની ટીમ લઈને ગોરવા અને ચાર દરવાજા (શેર વિસ્તાર)માં લોકોને જાગૃત કરી ચોર ટોળકીની અફવાથી દૂર રહેવા અપીલ કરતાં હતા. શુક્રવારે મોડી રાત્રે વારસિયા વિસ્તારમાં આવેલા ઝૂલેલાલ મંદિર પાસેથી પસાર થતાં ત્રણ યુવકો ચા પીવા નીકળ્યા હતા. દરમિયાનમાં તેમની બાઈક અચાનક બંધ પડી જતા તે યુવકો બાઈક ચાલુ કરવાનો પ્રયત્ન કરતા હતા. તે દરમિયાન કેટલાક લોકોને ચોર હોવાની શંકા જતા તેઓએ બહાર આવી ગયા હતા અને ચોર-ચોરની બૂમો પાડી હતી. 

આ પણ વાંચોઃ ચોર ટોળકીની અફવાઓથી સાવધાન રહો, કાયદો હાથમાં ન લોઃ વડોદરા પોલીસ કમિશનર નરસિંમ્હા કોમરની અપીલ

આ દરમિયાન 300 જેટલા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું, જેમાં ત્રણ યુવકમાંથી બે યુવકને પકડી પાડ્યા હતા અને જાહેરમાં માર માર્યો હતો. દરમિયાનમાં પોલીસને જાણ થતા પોલીસે સ્થળ પર આવી બંને ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક યુવકને ગંભીર રીતે ઈજા થઈ છે. તે સારવાર હેઠળ છે આ બે યુવક ઉપરાંત એક યુવક હતો તે ટોળાથી બચીને ભાગી ગયો હતો. 

પોલીસે તપાસ કરતા ફતેપુરા વિસ્તારમાં ગેરેજમાં કામ કરતા શહેબાઝ પઠાણ, ઈકરમ અલી અને સાહિલ નામના ત્રણ યુવક શુક્રવારે મોડી રાત્રે પોતાની બાઈક લઈને વારસિયા વિસ્તારમાં ચા પીવા નીકળ્યા હતા. તે દરમિયાન ઝૂલેલાલ મંદિર પાસે તેમની બાઈક બંધ પડી ગઈ હતી ત્યારે લોકોએ ચોર ચોર સમજીને તેઓને માર માર્યા હતા. અને તેમાંથી સાહિલ નામનો યુવક ટોળામાંથી બચીને નીકળી ગયો હતો તેનો હજી કોઈ પત્તો નથી. જ્યારે લોકોના ટોળાએ ચોર સમજીને પકડી પાડીને સખત માર મારતા બંને યુવકો શહેબાઝ પઠાણ, ઈકરમ અલીને પોલીસે ઘવાયેલી હાલતમાં સયાજી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેમાં મોડી રાત્રે શહેબાઝ પઠાણનું મોત થયું હતું. જ્યારે ઈક્રમ અલી સારવાર હેઠળ છે. 

આજે વહેલી સવારે તેમના પરિવારજનો અને મિત્રોને જાણ થતા સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને લોકોએ ચોર સમજીને હુમલો કર્યો તે અંગે ન્યાય અપાવવાની માગણી કરવાની સાથે મૃત્યુ પામેલા યુવકનો મૃતદેહ ન્યાય નહીં મળે ત્યાં સુધી હોસ્પિટલમાંથી લઈ જવામાં નહીં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. 

બીજી બાજુ સાહિલ નામનો યુવકનો કોઈ પત્તો નથી તે અંગે પણ મૃત્યુ પામેલા શેહબાઝના પરિવારજનોએ જણાવ્યું હતું. તેમના મિત્રોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસની હાજરીમાં આ બંને યુવકને લોક ટોળાએ માર માર્યો હતો તેમ છતાં પોલીસે ટોળાને રોકવાનો કોઈ પ્રયાસ કર્યો નથી અને જે રીતે અર્ધનગ્ન કરીને માર માર્યો છે તે પણ વાયરલ વીડિયોમાં જણાઈ આવે છે. જેથી તેઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. 

સયાજી હોસ્પિટલમાં જે એન્ટ્રી પડી છે તેમાં બંને ઘવાયેલા યુવકના નામ લખવામાં આવ્યા છે અને તેને બંનેને હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ સારવાર માટે લઈને આવ્યા હતા. તેઓ બંનેને ઝૂલેલાલ મંદિર પાસેથી પસાર થતા હતા. ત્યારે 300 માણસના ટોળાએ તેઓને ચોર સમજીને પકડી લીધા હતા અને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા તેમ જણાવ્યું છે.



Google NewsGoogle News