નાસ્તા ફરતા રામ ગોધરા ઉર્ફે રામ રજાડીએ પોલીસને પડકાર ફેંકયો: `સાવજના દીકરા અમે માથાભારે` ગીત સાથે ચપ્પુથી હુમલાનો વિડીયો અપલોડ કર્યો
- મોટા વરાછામાં નાંણાકીય લેતીદેતીમાં અપહરણ-હુમલાની ઘટના બાદ મુકેલો વિડીયો વાયરલ થતા સોશ્યિલ મિડીયા એકાઉન્ટ ડિલીટ કરી દીધું
સુરત
મોટા વરાછાના એ.બી.સી સર્કલ ખાતે ક્રિપ્ટો કરન્સીના ટ્રેડીંગ માટે ભાડેથી આપેલા બેંક એકાઉન્ટનું ભાડુ વસુલવાના મુદ્દે બે દિવસ અગાઉ થયેલા જીવલેણ હુમલાની ઘટનામાં ભાગતા ફરતા હુમલાખોર રામ ગોધરા માથાભારે અને ગત દિવસોમાં જાહેર રસ્તા ઉપર ચપ્પુ વડે યુવાન પર હુમલો કરી બેકગ્રાઉન્ડમાં સાવજના દીકરા અમે માથાભારે ગીતની રીલ્સ બનાવી સોશ્યિલ મિડીયા ઉપર અપલોડ કરી કાયદાના લીરેલીરા ઉડાવ્યા હતા.
મોટા વરાછા એ.બી.સી બિલ્ડીંગમાં જોવીયર ફેશન નામે ઓનલાઇન કપડાનો ધંધો કરતા ઉત્સવ હરેશ બરવાળીયાએ બનેવી બ્રિજેશ અશોક ઉકાણી સાથે ભાગીદારીમાં ક્રિપ્ટો કરન્સી ટ્રેડીંગના ધંધા માટે મિત્ર દિવ્યેશ બચુ પરમાર પાસેથી બેંક એકાઉન્ડ ભાડેથી લીધું હતું. મહિને રૂ. 15 હજાર ભાડુ ચુકવવામાં વિલંબ થતા દિવ્યેશ અને તેના મિત્ર સુમીત રાઠોડ, ભુરો ભગો અને રામ ગોધરાએ બાઇક પર અપહરણ કરી માર મારી રૂ. 1.50 લાખ પડાવી લીધા હતા. આ મુદ્દે રવિવારે ઉત્સવ અને તેના પરિજનોએ દિવ્યેશને મોટા વરાછાના એ.બી.સી સર્કલ ખાતે બોલાવ્યા હતા. જયાં દિવ્યેશ અને સુમીતને ઉત્સવ અને તેના બનેવીએ માર માર્યો હતો. આ અરસામાં દિવ્યેશના મિત્ર ભુરો ભગો અને રામ ગોધરા ઉર્ફે રામ રજાડી ફોર્ચ્યુનર કારમાં ઘસી આવ્યા હતા. રામ ગોધરાએ ઉત્સવના પિતાને ચપ્પુના ઘા ઝીંકયા હતા અને કાર તેના મોટા બાપુ દીપક બરવાળીયા ઉપર ચડાવી દીધી હતી. આ પ્રકરણમાં ટોળાએ દિવ્યેશ અને સુમીતને પકડીને માર મારી ઉત્રાણ પોલીસને હવાલે કર્યા હતા જયારે ભુરો અને રામ ભાગી ગયા હતા. જે પૈકી રામ ગોધરા ઉર્ફે રામ રજાડી માથાભારે છે અને તેના સોશ્યિલ મિડીયા એકાઉન્ટ ઉપર ચપ્પુ લઇ જાહેરમાં હુમલાના અને ધાક-ધમકી આપતા હોય તેવા વિડીયો અપલોડ કર્યા હતા. જે પૈકીનો એક વિડીયોમાં રસ્તા પરથી પસાર થઇ રહેલા યુવાનને ચપ્પુ વડે ડરાવી માર મારતો વિડીયો હતો. જેના બેકગ્રાઉન્ડમાં સાવદના દીકરા અમે માથાભારે...ગીત હતું અને આવા અનેક વિડીયો હતા જે પૈકીના કેટલાક વાયરલ થયા હતા. જેથી રામ ગોધરા ઉર્ફે રામ રજાડીએ તાબડતોબ પોતાનું સોશ્યિલ મિડીયા એકાઉન્ટ ડિલીટ પણ કરી દીધું હતું.
દિવ્યેશ પરમારે ઉત્સવ અને તેના બનેવી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી
ઉત્સવ બરવાળીયા અને તેના પિતા તથા મોટા બાપુ પર હુમલો કરનાર ચાર પૈકી દિવ્યેશ પરમાર અને સુમીત રાઠોડને લોકોએ પકડીને માર મારી પોલીસને હવાલે કર્યો હતો. જયાં ગત રાતે દિવ્યેશે ઉત્સવ અને તેના બનેવી બ્રિજેશ ઉકાણી વિરૂધ્ધ માર માર્યાની ફરીયાદ નોંધાવી છે. દિવ્યેશે ફરીયાદમાં જણાવ્યું છે કે ક્રિપ્ટો કરન્સીના ધંધા માટે તેના નામે ઉત્સવે બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું અને જે ટ્રાન્જેકશન થાય તેના 50 ટકા રૂપિયા આપવાનું નક્કી કર્યુ હતું. પરંતુ ઉત્સવ ફોન ઉપાડતો ન હોવાથી મિત્રો સાથે મળી તેનું અપહરણ કરી રૂ. 1.50 લાખ પડાવ્યા હતા. આ મુદ્દે વાતચીત કરવાના બહાને બોલાવી માર માર્યો હતો.