ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં ગ્રાન્ટેડ અને ખાનગી સંચાલકો સામસામે, 50 વર્ષમાં પહેલીવાર ઉમેદવાર જ સસ્પેન્ડ

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં ગ્રાન્ટેડ અને ખાનગી સંચાલકો સામસામે, 50 વર્ષમાં પહેલીવાર ઉમેદવાર જ સસ્પેન્ડ 1 - image


Gujarat Education Board Election : ગુજરાત શિક્ષણ બોર્ડની આ વખતની ચૂંટણી ખરાખરીના જંગ તરફ આગળ વધી રહી છે કારણકે બોર્ડની આ વખતની ચૂંટણીમાં સંચાલક મંડળની બેઠકને લઈને મંડળો સામસામે આવ્યા છે. 27 વર્ષ બાદ મર્જ થયેલા સંચાલક મંડળે જે ઉમેદવારને ઊભા રાખ્યા હતા તેની જ સામે મંડળમાંથી એક સભ્યએ બળવાખોરી કરી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે મંડળ દ્વારા તે સભ્યને મંડળમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને 50 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના બની છે.

મર્જ થયેલા મંડળના ઉમેદવાર સામે બળવો કરી ઉમેદવારી કરનારને પ્રથમવાર સસ્પેન્ડ કરાયા

આગામી 24મી સપ્ટેમ્બરે ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી થનાર છે. જેમાં 9 બેઠકોમાંથી છ બેઠકો બિનહરીફ અને એક બેઠક રદ થયા બાદ હવે બે જ બેઠકો માટે ચૂંટણી છે. પરંતુ આ બે બેઠકોમાંથી સંચાલક મંડળના પ્રતિનિધિની બેઠક માટે ખરાખરીનો જંગ છે. અગાઉ વર્ષો પહેલાં એટલે કે 1997 પહેલા રાજ્યના સંચલાકોનું એક જ મંડળ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ તરીકે હતું પરંતુ તે સમયે પણ બોર્ડની ચૂંટણી સમયે ઉમેદવારીમાં વિવાદ-ડખો ઊભો થતાં અખિલ ગુજરાત શાળા સંચાલક મંડળ તરીકે અલગ મંડળ બન્યું અને ત્યારબાદ વર્ષોથી બે મંડળો સામસામે હતા અને તેઓના ઉમેદવારો બોર્ડની ચૂંટણીમાં ઊભા રહેતા.

પરંતુ આ મંડળો 27 વર્ષ બાદ આ વર્ષે માર્ચમાં એક થઈ ગયા હતા, કારણકે અલગ અલગ મંડળ હોવાથી સરકાર તેઓનું સાંભળતી ન હતી. મર્જ થયેલા મંડળ એવા રાજ્ય શાળા સંચાલક મહામંડળ-ગુજરાત પ્રદેશ તરફથી સત્તાવાર ઉમેદવાર તરીકે ભાજપના જ શિક્ષણ સેલના જે. વી. પટેલને ઊભા રખાયા છે, પરંતુ છેલ્લા પાંચ ટર્મથી જીતતા સૌરાષ્ટ્રના સંચાલક સભ્ય એવા પ્રિયવદન કોરાટને ઉમેદવાર બનાવાયા ન હતા. જેથી તેઓએ બળવો પોકારીને પોતાની રીતે ઉમેદવારી નોંધાવી હતી.

જેને પગલે તેઓને મંડળમાંથી દૂર કરી સસ્પેન્ડ કરી દેવાયા છે. તેઓ મર્જ થયેલા મંડળમાં મહામંત્રી પણ હતા. જો કે આ ઉમેદવારને સુરતના ખાનગી સ્કૂલોના મંડળે ટેકો આપ્યો છે જેથી ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોના સંચાલકો હવે સામસામે આવ્યા છે અને આ ઉમેદવારનું કહેવું છે કે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ બિનઅધિકૃત અને બિનરજિસ્ટર્ડ મંડળ છે.


Google NewsGoogle News