રાજ્યમાં અસામાન્ય તાપ વરસ્યો, ભૂજ, ડીસામાં 41, રાજકોટ 40 સે
ક્લાઈમેટ કથળ્યું : અસામાન્ય અતિશય વરસાદ બાદ હવે સવારનું તાપમાન નોર્મલ કરતા રાજકોટમાં 5.7, અમદાવાદમાં 4.3, સુરતમાં 4.7 વધારે, મિશ્ર અને માંદા પાડે તેવું હવામાન
રાજકોટ, : ગુજરાતમાં ચોમાસામાં ઈ.સ. 1994થી 2023 દરમિયાન વર્ષે સરેરાશ 35.50 ઈંચ સામે આ વર્ષે અત્યાધિક 50.50 ઈંચ વરસાદ વરસી ગયા બાદ હવે આજથી દિપાવલિ પર્વશ્રુંખલાનો પ્રાંરભ થયો છે ત્યારે અસામાન્ય તાપ વરસી રહ્યો છે. સમગ્ર દેશમાં સૌથી વધુ તાપમાન ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાઈ રહ્યું છે. આજે તાપમાનનો પારો ભૂજ અને ડીસામાં 41 સે.અને રાજકોટમાં 40 સે.એ પહોંચી જતા બપોરે અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો.
આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, કંડલા, અમરેલી, સુરેન્દ્રનગરમાં પણ તાપમાનનો પારો 38 સે.ને પાર થયો હતો. જે આ સમયમાં અસામાન્ય તાપ દર્શાવે છે. સવારનું તાપમાન હજુ પણ 20 સે. નીચે ઉતરતું નથી.
રાજકોટમાં આ સમયે સવારના 15 સે.તાપમાને ગુલાબી ઠંડી અનુભવાતી હોય તેના બદલે આજે 21 સે. એટલે કે 5.7 સે. વધારે તાપમાન રહ્યું હતું અને બપોરનું તાપમાન હાલ 26 સે.આસપાસને બદલે 3.9 સે. વધારે 39.6 સે. નોંધાયુ છે. અમદાવાદમાં આ રીતે નોર્મલ કરતા સવારનું તાપમાન 4.3 સે. અને બપોરનું 3.3 સે. વધારે, સુરતમાં સવારનું તાપમાન 4.7 સે. વધારે, ભૂજમાં બપોરનું તાપમાન 4.8 સે. વધારે અને પ્રસિધ્ધ યાત્રાધામો દ્વારકામાં 3.9 અને વેરાવળમાં 3 સે. વધારે તાપમાન નોંધાયું છે. દિવાળી પૂર્વેના સમયમાં મિશ્ર હવામાન સામાન્ય છે, કારણ કે બે ઋતુ ભેગી થતી હોય છે પરંતુ, આ વખતે કથળેલા ક્લાઈમેટની પ્રતીતિ કરાવતી સ્થિતિ જુદી છે જેમાં સવાર-બપોરના તાપમાન વચ્ચે 17થી 19 સે. સુધીનો ફરક તો છે તે ઉપરાંત ન્યુનત્તમ ?અને મહત્તમ એ બન્ને તાપમાન સામાન્ય કરતા 3થી 6 સે. વધારે રહે છે.