આગામી 4 દિવસ યલો એલર્ટ : 17 તારીખ સુધી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં થશે માવઠું
Yellow Alert in Gujarat : સમગ્ર રાષ્ટ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અનેક સ્થળે હવાના સાયક્લોનિક સર્ક્યુલેશનથી બદલાયેલા હવામાનની સાથે ગુજરાતમાં આજે હવામાન પલટાયું હતું. રાજ્યમાં ઠેરઠેર ધૂળિયુ તોફાન સાથે વંટોળિયા અને ગાજવીજ સાથે ધોધમાર ઝાપટાંથી એક ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. અણધાર્યા વરસાદથી લોકોમાં દોડધામ મચી ગઈ હતી. તોફાની વરસાદની સાથે બરફના કરાં પણ વરસ્યા હતા અને ખેતરોમાં ધસમસતા ગોઠણડૂબ પાણી વહ્યા હતા. આ વરસાદ પ્રિમોન્સૂન ગણાય છે અને હવે ચોમાસુ વહેલુ આવે તેવો સંભવ છે. કમોસમી વરસાદથી બાજરી, મગફળી સહિત ઉનાળુ વાવેતરના કુમળા છોડને કેટલાક સ્થળોએ આંશિક નુકસાનની ભીતિ સેવાય છે. તો રાજ્યમાં ગુજરાતમાં ચાર દિવસ સુધી વરસાદની આગાહી છે. તો આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. ઉપરાંત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદના કારણે યલો એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે સોમવારે (13મી મે) રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભર ઉનાળે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. આ દરમિયાન ફરી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 17મી મે સુધી કમોસમી વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં ચાર દિવસ સુધી વરસાદની આગાહી
14-05-2024 : ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલી, ગીરસોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી અને અમદાવાદના થોડા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
15-05-2024 : ગુજરાતના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીરસોમનાથ, દીવ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટોછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
16-05-2024 : ગુજરાતના રાજકોટ, અમરેલી, ગીરસોમનાથ, દીવ, નવસારી, દમણ, વલસાડ, ડાંગ, તાપી અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદની આગાહી છે.
17-05-2024 : ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.
ગઈકાલે કયા તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો હતો ?
રાજ્યમાં આજે (13 મે) અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં સૌથી વધુ 21 મી.મી. વરસાદ પડ્યો છે. તો બોટાદમાં 20 મી.મી. વાસંદામાં 18 મી.મી., ચોટીલામાં 17 મી.મી., ઈડરમાં 14 મી.મી., દાંતામાં 13 મી.મી., ઉમરાળામાં 13 મી.મી., પ્રાંતિજમાં 12 મી.મી., વઘઈમાં 9 મી.મી., અમીરગઢમાં 8 મી.મી., હિમંતનગરમાં 8 મી.મી., કલોલમાં 3 મી.મી., ગાંધીનગરમાં 2 મી.મી. અને પોશીનામાં 1 મી.મી. વરસાદ પડ્યો છે.
યલો એલર્ટ એટલે શું?
યલો એલર્ટ જાહેર કરવા પાછળનો હેતુ લોકોને જાગ્રત કરવાનો છે. યલો એલર્ટને હવામાન વિભાગ તરફથી એક પ્રકારની ચેતવણી તરીકે જોવામાં આવે છે, તેથી લોકોને આગામી દિવસો માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવે છે. સંબંધિત અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખે છે.