રાજ્યમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો થશે
Unseasonal Rain : આજે પણ રાજ્યમાં કમોસમી વરસાદ તેમજ વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. જોકે રાહતના સમાચાર એવા છે કે બપોર પછી વરસાદનું જોર ઘટી શકે છે. અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આજે આખો દિવસ 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા કહેવામાં આવ્યું છે.
તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો થશે
કમોસમી વરસાદને કારણે હવામાન વિભાગનું માનવું છે કે તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલે મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ઘમરોળી નાંખ્યું હતું. રાજ્યનાં 220 તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેમાં 44 તાલુકાઓમાં તો એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. લોધિકામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.