પરિણીતા સાથે લગ્નેતર સંબંધમાં અપરણિત સાઈટ સુપરવાઈઝર ઉપર જીવલેણ હુમલો
મૂળ બિહારનો 32 વર્ષીય મો.સાબીર ત્યાં જ કામ કરતા શ્રમજીવીની પત્નીને લેડીસ બાથરૂમમાં મળવા ગયો હતો ત્યારે પતિ પહોંચતા બંને ઝડપાયા હતા
શ્રમજીવી અને તેના સાળાએ લાકડાના ફટકા અને ઈંટ વડે હુમલો કરતા સુપરવાઈઝરને ગંભીર ઈજા થઈ : લસકાણા પોલીસે શ્રમજીવીની ધરપકડ કરી
- મૂળ બિહારનો 32 વર્ષીય મો.સાબીર ત્યાં જ કામ કરતા શ્રમજીવીની પત્નીને લેડીસ બાથરૂમમાં મળવા ગયો હતો ત્યારે પતિ પહોંચતા બંને ઝડપાયા હતા
- શ્રમજીવી અને તેના સાળાએ લાકડાના ફટકા અને ઈંટ વડે હુમલો કરતા સુપરવાઈઝરને ગંભીર ઈજા થઈ : લસકાણા પોલીસે શ્રમજીવીની ધરપકડ કરી
સુરત, : સુરતના વાલક પાટીયા રીંગરોડ ઓવરબ્રિજની બાજુમાં નવનિર્મિત બિલ્ડીંગની સાઈટ ઉપર કામ કરતો 32 વર્ષીય અપરણિત સાઈટ સુપરવાઈઝર બુધવારે રાત્રે ત્યાં જ કામ કરતા શ્રમજીવીની પત્નીને લેડીસ બાથરૂમમાં મળવા ગયો હતો ત્યારે ત્યારે પરિણીતાની દીકરી રડતી હોય તેનો પતિ શોધવા નીકળતા બંને ઝડપાઈ ગયો હતો.સાઈટ સુપરવાઈઝરને શ્રમજીવી અને તેના સાળાએ લાકડાના ફટકા અને ઈંટ વડે હુમલો કરતા સુપરવાઈઝરને ગંભીર ઈજા થઈ હતી.બનાવ અંગે લસકાણા પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી શ્રમજીવીની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બિહારના વતની 34 વર્ષીય મોહમ્મદ અનવર મોહમ્મદ જૈનુદ્દીન શેખ છેલ્લા એક વર્ષથી સુરતના વાલક પાટીયા રીંગરોડ ઓવરબ્રિજની બાજુમાં નવનિર્મિત સાઇલેન્ટ સ્કાય બિલ્ડીંગની સાઈટ પર બનાવેલા પતરાના રૂમમાં રહે છે અને ત્યાં સેન્ટીંગનું કામ કરે છે.તેનો 32 વર્ષીય અપરણિત ભાઈ મો.સાબીર તેની બાજુના રૂમમાં રહે છે અને ત્યાં જ સાઈટ સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે.મો.સાબીરને ત્યાં જ કામ કરતા અને ત્યાં જ રહેતા મૂળ મધ્યપ્રદેશના જાબુંઆના શ્રમજીવી કાળુ ભાભોરની પત્ની સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.ગત બુધવારે રાત્રે તે કાળુની પત્નીને મળવા ત્યાં લેડીસ બાથરૂમમાં મળવા ગયો હતો.બંને ત્યાં પ્રેમાલાપ કરતા હતા ત્યારે કાળુની દીકરી તેમના રૂમમાં જાગી ગઈ હતી અને રડવા લાગી હતી.
કાળુએ પત્નીને શોધતા તે રૂમમાં નહીં મળતા બહાર જઈ તપાસ કરી તો કેટલાક મજૂરોએ તે લેડીસ બાથરૂમમાં હોવાનું જણાવ્યું હતું,આથી કાળુ ત્યાં પહોંચ્યો હતો.જોકે, ત્યાં પત્ની સાથે મો.સાબીર પણ મળતા કાળુએ સાબીરને લાકડાના ફટકા વડે માથાના ભાગે તેમજ શરીરના ભાગે માર માર્યો હતો.તે સમયે ત્યાં આવેલા કાળુના સાળા બદહિંગ વસુનિયાએ પણ સાબીરને ઇંટ વડે ચહેરા પર જમણી આંખના ભાગે તથા ડાબા કાનના ભાગે ઈજા પહોંચાડી હતી અને બંને સાબીરને લોહીલુહાણ હાલતમાં ત્યાં મૂકી ભાગી ગયા હતા.બનાવ અંગે સાબીરના ભાઈ અનવરને જાણ થતા તેણે સાબીરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો.બનાવની જાણ થતા લસકાણા પોલીસે અનવરની ફરિયાદના આધારે કાળુ ભાભોર અને બદહિંગ વસુનિયા વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી કાળુની ધરપકડ કરી છે.વધુ તપાસ પીઆઈ કે.એ.ચાવડા કરી રહ્યા છે.