યુનિ. અને કોલેજોમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓ છેલ્લા બે વર્ષથી સ્કોલરશિપથી વંચિત
Image: Wikipedia
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી સહિતની ગુજરાતની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતા અનામત કેટેગરીના હજારો વિદ્યાર્થીઓને છેલ્લા બે વર્ષથી સરકારની સ્કોલરશિપ નહીં મળી હોવાની વિગતો સપાટી પર આવી છે.
આજે વિદ્યાર્થી સંગઠન ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટસ ડેમોક્રેટિક ઓર્ગેનાઈઝેશનના હોદ્દેદારોએ એક વાતચીતમાં કહ્યું હતું કે, સરકાર દ્વારા એસસી, એસટી અને ઓબીસી કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપના ભાગરુપે તેમણે ભરેલી ટયુશન ફી પાછી આપવામાં આવે છે પરંતુ હજારો વિદ્યાર્થીઓ એવા છે જેમને બે વર્ષથી આ સ્કોલરશિપની રકમ મળી નથી.સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓને અમે રજૂઆત કરી તો તેમણે કહ્યું હતું કે, સ્કોલરશિપ માટેની ગ્રાન્ટ હવે કેન્દ્રમાંથી આવે છે અને આ ગ્રાન્ટ હજી સુધી આવી નથી.સ્કોલરશિપથી વંચિત વિદ્યાર્થીઓની સંખ્યા હજારોમાં થવા જાય છે.
વિદ્યાર્થી સંગઠનના હોદ્દેદારોએ વધુમાં કહ્યું હતું કે, સ્કોલરશિપ માટે ડિજિટલ ગુજરાતના પ્લેટફોર્મ પર ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે.૨૦૨૪-૨૫ના વર્ષમાં આ એપ્લિકેશનની સાથે આધાર કાર્ડ અને રાશન કાર્ડની કોપી પણ એટેચ કરવાનો નિયમ લાગુ કરાયો છે.જોકે ઘણા વિદ્યાર્થીઓ રાશન કાર્ડ અને આધાર કાર્ડમાં નામોની વિસંગતતાના કારણે રાશન કાર્ડ અપડેટ કરાવી શક્યા નથી અને આ વર્ષે સ્કોલરશિપ માટે ફોર્મ પણ ભરી શક્યા નથી.ડિસેમ્બર મહિના બાદ આ પોર્ટલ પર એપ્લિકેશન કરવાની કાર્યવાહી બંધ કરાવી દેવામાં આવી છે.જેના કારણે આ વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત રહી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.ઉપરાંત આ વર્ષથી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ લીધોહોય તો તેમને સ્કોલરશિપ આપવામાં નહીં આવે.જેનાથી ઘણા વિદ્યાર્થીઓની કેરિયર પર સવાલો ઉભા થયા છે.સ્કોલરશિપ મેળવતા ઘણા વિદ્યાર્થીઓ ગામડામાંથી શહેરમાં આવીને અભ્યાસ કરતા હોય છે.સ્કોલરશિપમાં વિલંબના કારણે તેમને અભ્યાસ છોડી દેવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
સરકારનું આ મુદ્દે ધ્યાન દોરવા માટે ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટસ ઓર્ગેનાઈઝેશન દ્વારા સમગ્ર રાજ્યમાં સહી ઝુંબેસ હાથ ધરવામાં આવશે.સાથે સાથે પત્રિકા વિતરણ કરીને અને પોસ્ટરો લગાડીને તથા ધરણા યોજીને લોકોને પણ જાગૃત કરવામાં આવશે.