Get The App

મઘામાં મેઘો ઓળઘોળઃ કચ્છમાં સાર્વત્રિક 4થી 12 ઇંચ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
મઘામાં મેઘો ઓળઘોળઃ કચ્છમાં સાર્વત્રિક 4થી 12 ઇંચ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત 1 - image


Heavy Rain in Kutch : ગુજરાત પર વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય બનતાં હવામાન વિભાગ દ્વારા અપાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહી સાચી ઠરતાં કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેથી જનજીવન ખોરવાયું છે. વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાહન વ્યવહારને અસર પહોંચી છે. કંડલા બંદર પર સાવચેતીના ભાગ રૂપે ત્રણ નંબરનું સિગ્નલ લગાડવવામાં આવ્યું છે. માંડવીમાં સાડા બાર ઇંચ, નખત્રાણામાં અગિયાર, મુંદરા અને ભુજમાં સાડા છ, ભચાઉ સાડા પાંચ, રાપરમાં પાંચ, અબડાસામાં છ, અંજારમાં સાડા ચાર, લખપતમાં સવા ચાર અને ગાંધીધામમાં ચાર ઇંચ વરસાદ તા. 25ની રાત્રિથી મંગળવારની સાંજના છ વાગ્યા સુધીમાં નોંધાયો છે.

જિલ્લા ઉપર મઘામાં મેઘો ઓળગોળ થયો છે. ''મઘા કે બરસે, માતૃ કે પરસે'' એટલે કે માં જો ખાવાનું પીરસે તો જ બાળકોનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રમાં વરસાદ વરસેતો ધરતી માતાની પાણીની તરસ બુઝાઈ જાય છે. પાક પણ ખૂબ જ સારો થાય છે. શ્રાવણમાં ફરીથી ચોમાસું જામ્યું છે. હવામાન ખાતાની આગાહી મુજબ જોરદાર વરસાદ વરસી રહ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં બારે મેઘ ખાંગા, 245 તાલુકામાં 10 ઇંચ વરસાદ, જાણો ક્યાં સૌથી વધુ મેહુલિયો વરસ્યો

બંદરીય નગરી માંડવી ખાતે શ્રાવણમાં છૂટા છવાયા વરસાદી ઝાપટાં વરસ્યા હતા. લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. તા.25ની મધરાત્રિથી વરસાદની શરુઆત થઈ હતી. જન્માષ્ટમી અને મંગળવારના પણ મેઘમહેર યથાવત્ રહેવા પામી છે. જિલ્લા કન્ટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે સાતમની રાત્રે એક, જન્માષ્ટમીના દસ અને મંગળવારના વધુ દોઢ ઇંચ વરસાદ નોંધાતા કુલ સાડા બાર ઇંચ જેટલો અતિભારે વરસાદ વરસતાં સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયું હતું મુખ્ય માર્ગો પરથી ઘૂંટણ સમા પાણી વહી નીકળ્યા હતા. ભારે વરસાદ વરસતાં જનજીવન પ્રભાવિત થયું હતું આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

ગઢશીશા, મઉ, દેવપર ગઢ, વિરાણી નાની, ભેરૈયા, લુડવા, દરશડી, વાઢ, શેરડી, ભાડઈ તેમજ  અનેક વિસ્તારોમાં બે દિવસ વરસાદ પડ્યો હતો. અંદાજે સાત ઇંચ જેટલો વરસાદ ગઢશીશા ખાતે પડ્યો હતો. દેવપર ગઢમાં ભારે વરસાદથી પુલ તૂટી જતાં ગ્રામજનોને ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી. સંબંધિત તંત્ર વહેલી તકે પુલનું સમારકામ કરે તેવી લોકમાંગ ઉઠી છે. ગઢશીશા-મંગવાણા રોડ પર પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદના પગલે રસ્તો નદીમાં ફેરવાયો હતો.

નખત્રાણામાં સાતમની રાત્રે એક ઇંચ વરસાદ વરસ્યા બાદ સોમવારે વધુ સાડા નવ ઇંચ અને મંગળવારે અડધો ઇંચ સાથે કુલ અગિયાર ઇંચ વરસાદ ખાળક્યો હતો. નખત્રાણાના મુખ્ય માર્ગો બેટમાં ફેરવાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સોસાયટી વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. શિવનગર વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસ્યા હતા. નખત્રાણા-લખપત રોડ પર પાણી ફરી વળતાં માર્ગ અવરોધાયો હતા. બસ સ્ટેન્ડ પાસેના વોકળામાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા. પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી. જેને સ્થાનિક લોકોએ બચાવી લીધી હતી.

નખત્રાણા તાલુકાના દેવીસર, વિભાપર, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસ્યો હતો. મંગળવારમાં રવિવારની રાતથી સવાર સુધીમાં સાત ઇંચ વરસાદ પડ્યો હતો તેમજ હાઇવે બેટમાં ફેરવાયો હતો. વડવા કાંયા ગામે ભારે વરસાદ થતાં બસ સ્ટેન્ડ પાસે ઘૂંટણસમા પાણી ભરાયા હતા. લોકોને હાલાકી વેઠવી પડી હતી. તેમજ રોહા સુમરી નદી બે કાંઠી વહી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં 28 ઓગસ્ટે સ્કૂલોમાં રજા જાહેર, વરસાદથી ત્રણ દિવસમાં 15 મોત, હજુ 72 કલાકનું ઍલર્ટ

જિલ્લા મથક ભુજમાં સાતમની રાત્રે ઝરમર વરસાદની શરુઆત થતાં હમીરસર કાંઠે ભરાયેલા મેળામાં થોડીવાર માટે વિક્ષેપ સર્જાયો હતો બાદમાં રાતના અડધો ઇંચ, બીજા દિવસે પોણા ચાર ઇંચ અને મંગળવારે દિવસભર ઝાપટાંનો દોર ચાલુ રહેતાં સાવા બે ઇંચ વરસાદ વરસતાં કુલ સાડા છ ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં સારો વરસાદ થતાં મોટા બંધામાં પાણીની આવક શરુ થઈ હતી જે હમીરસર તળાવમાં પહોંચતા તળાવની સપાટીમાં વધારો થયો હતો. જિલ્લા અને સૌરાષ્ટ્ર, ગુજરત, મુંબઈથી લોકો જાણવા ઇચ્છુક બન્યા હતા કે હમીરસર તળાવ ઓગળ્યું કે કેમ? વરસાદી ઝાપટાં વરસતાં બસ સ્ટેશન વિસ્તાર, વાણિયાવાડ, જ્યુબિલી ગ્રાઉન્ડ, ઘનશ્યામ નગર, મંગલમ સહિતના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. અનેક સોસાયટીમાં પાણી ઘરોમાં ઘુસ્યા હોવાનું જાણવા મળ્યું હતું શહેરના કોટ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોને પરેશાનીમાં મુકાવું પડયું હતું કેટલાક મંદિરોમાં શ્રાવણના સોથા સોમવાર નિમિત્તે શિવલીંગ અને ગર્ભગૃહ શણગાર, અને જન્માષ્ટમી નિમિત્તે ઉજવણીની તૈયારીમાં ભાવિકોને તકલીફ પડી હતી ત્રણ દિવસ દરમ્યાન અન્ય વિસ્તારોમાં વીજ વિક્ષેપ સર્જાયો હોવાની ફરિયાદો સોશિયલ મીડિયામાં જોવા વળી હતી.

ભુજ તાલુકાના મીસરીયાડી ગામે તોફાની પવન ફૂંકાતા અનેક ઘરોના નળિયા ઉડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. મકાનોમાં નુકસાન થયું હતું, જોરદાર વરસાદ વરસ્યો હતો. બળદિયા ગામે ધોધમાર વરસાદ પડ્યો હતો. સુખપર, મીરઝાપર, માધાપર, સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. લોરીયા, આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

ભચાઉમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. બન્ને દિવસ ર-ર ઇંચ તેમજ મંગળવારે વધુ દોઢ ઇંચ પાણી વરસતાં કુલ સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. ભારે પવન ફૂંકાતા વૃક્ષ પડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘાવી માહોલ છવાયો હતો અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા.

મુંદરામાં કુલ સાડા 6 ઇંચ વરસાદ વરસતાં નગર પાણી પાણી થઈ ગયું હતું. અનેક સોસાયટી વિસ્તારમાં પાણી ભરાયા હતા. માર્ગો પર પાણી ભરાતાં વાહન ચાલકોને પરેશાની થઈ હતી. સાડા છ ઇંચ વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું

અબડાસામાં છ ઇંચ વરસાદ પડ્યો હોવાનું નોંધાયું હતું. મુખ્ય મથક નલિયા ખાતે સોમવારે ધીમી ધારે વરસાદ શરુ થયા બાદ ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. મંગળવારની સવારથી મેઘરાજા મહેરબાની થતાં સાંજ સુધી વધુ બે ઇંચ પાણી વરસી ગયું હતું. નલિયાથી ડુમરા જતાં માર્ગ પર ડુમરા નજીક પાપડી પર વરસાદી પાણી ફરી વળતાં થોડા સમય પૂરતો વાહનવ્યવહાર ખોરવાયો હતો. આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો હતો.

લખપત ખાતે સોમવારના ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. તેમજ નોમના દિવસે સવા ઇંચ વરસાદ થતાં કુલ દયાપર ખાતે સવા ચાર ઇંચ વરસાદથી ઠેર ઠેર માર્ગો પર પાણી ભરાયા હતા.

અંજારમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. તેમજ ગાંધીધામ ખાતે ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. અહીંના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા. કંડલા બંદર ખાતે સાવચેતીના ભાગરૂપે ૩ નંબરનું સિગ્નલ લગાવાયું છે. ડીપ ડિપ્રેશનની પરિસ્થિતિ સર્જાતાં બંદર પર કરંટ જોવા મળ્યો હતો. જહાજોને આઉટરબોયામાં બાંધી દેવામાં આવ્યા હતા. મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યકત કરાઈ છે.

વિથોણ પંથકના દેવપર, ધાવડા, ભડલી, અંગીયા, ચાવડકા, લાખિયા વિશે સહિતના અનેક સ્થળોએ વરસાદ પડ્યો હતો. આજુબાજુના તળાવો, ડેમો છલકાઈ ગયા હતા. અધોછની ડેમ, ચાવડકા ડેમ ઓવરફલો થઈ ગયા છે. વિથોણનું સંત સરોવર ફરી ઓગળી ગયું હતું. ખેતરમાં પાણી ભરાઈ જતાં તળાવ જેવા દૃશ્યો સર્જાયા હતા.

કંડલા બંદરે સાવચેતીના ભાગરૂપે ૩ નંબરનું સિંગ્નલ

ડુમરા નજીક પાપડી પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાયો

દેવપરગઢમાં પુલ તૂટી જતાં ગ્રામજનોને મુશ્કેલી ભોગવવી પડી

ગઢશીશા-મંગવાણા રોડ પર પાણી ફરી વળ્યા

નખત્રાણાના મુખ્ય માર્ગો બેટમાં ફેરવાયા

વોકળામાં પાણીના પ્રવાહમાં કાર તણાઈ : સ્થાનિક લોકોએ બચાવી

મીસરીયાડા ગામે તોફાની પવન ફૂંકાતા અનેક ઘરોના નળિયા ઉડ્યા


Google NewsGoogle News