Get The App

સુરતમાં બાળકોને મોબાઇલની લત છોડાવવા રામ નામનો અનોખો યજ્ઞ, વાલીઓને જોવા મળ્યા ફાયદા

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
સુરતમાં બાળકોને મોબાઇલની લત છોડાવવા રામ નામનો અનોખો યજ્ઞ, વાલીઓને જોવા મળ્યા ફાયદા 1 - image


Mobile Addiction : આજના આધુનિક સમયમાં મોબાઇલની લત બાળકોમાં વધુ જોવા મળી રહી છે અને તેના હાનિકારક પરિણામો પણ સમાજમાં દેખાઈ રહ્યા છે. એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે માતા પિતાએ મોબાઈલ ઉપયોગ ન કરવા માટે ઠપકો આપતા બાળકે આપઘાતનું પગલું પણ ભરે છે. તો બીજી તરફ નાના બાળકો જ્યારે રડતા હોય છે ત્યારે માતા-પિતા બાળકને મોબાઇલ આપી દેતા હોય છે અને મોબાઈલ મળતાની સાથે જ બાળક ચૂપ થઈ જાય છે. ત્યારે નાનપણથી જ મોબાઈલની ટેવ બાળક માટે ખૂબ જ જોખમી છે. ત્યારે નાની ઉંમરમાં જ બાળકો હિન્દુ સંસ્કૃતિથી પરિચિત બને અને બાળકોનો સ્વભાવ સુધારી શકાય તેવા હેતુથી સુરતમાં રામ નામના પ્રચારનો અનોખો યજ્ઞ ચાલી રહ્યો છે.

સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા કનુભાઈ વઘાસિયા દ્વારા આ રામ નામનો યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. કનુભાઈ સુરતના મોટા વરાછાના મૂન ગાર્ડન ખાતે સાંજે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી બાળકો તેમજ લોકોને રામ નામના જાપ કરાવી રહ્યા છે અને રામ નામ લખાવી રહ્યા છે. બાળકો ગાર્ડનમાં આવતા હોય છે ત્યારે તેમને બેટરીથી ચાલતી ચિલ્ડ્રન કાર ચલાવવાનો ખૂબ જ શોખ હોય છે. 

કનુભાઈ દ્વારા રામ નામનો યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. તેમાં બાળકોને સૌપ્રથમ રામ નામના જાપ કરાવવામાં આવે છે અને ત્યારબાદ ઈલેક્ટ્રીક ચિલ્ડ્રન કારનો રાઉન્ડ ફ્રીમાં આપવામાં આવે છે. એટલે બાળક કાર ચલાવવાની લાલચમાં ભગવાન રામની ભક્તિ તરફ વળી જાય છે. આ રામ નામનો યજ્ઞ કનુભાઈ વઘાસીયા દ્વારા ચાલવાઈ રહ્યો છે. 

સુરતમાં બાળકોને મોબાઇલની લત છોડાવવા રામ નામનો અનોખો યજ્ઞ, વાલીઓને જોવા મળ્યા ફાયદા 2 - image

કનુભાઈ પહેલા લોકોને પૈસાનું દાન કરતા હતા. જે વ્યક્તિને દવાખાનામાં પૈસાની જરૂર હોય કે પછી કોઈ પણ રીતે આર્થિક મુશ્કેલી હોય તેમને પૈસા અર્પણ કરતા હતા પરંતુ તેમને મનની શાંતિ મળતી ન હતી. તેમને એવું લાગ્યા કરતું હતું કે કંઈક ખૂટી રહ્યું છે ત્યારે તેમને મનોમન વિચાર કર્યો અને મારા આસપાસના વિસ્તારમાં જ્યારે જોયું ત્યારે મને ખબર પડી કે લોકો અત્યારે લોકો ભગવાનનું નામ લઈ રહ્યા નથી. ત્યાંથી જ કનુભાઈએ લોકોને ભગવાનનું નામ લેવડાવવા માટે આ સંકલ્પ કર્યો અને હાલ તેઓ હનુમાનજીની દયાથી આ કાર્ય કરી રહ્યા છે.

બાળકોમાં મોબાઈલ ઉપયોગ કરવાની જિજ્ઞાસા ઓછી થાય અને ભગવાનનું નામ લેવાની રૂચી વધે તેવા હેતુથી સુરતના ગાર્ડનમાં આ યજ્ઞ ચાલી રહ્યો છે અને આશ્ચર્યજનક વાત તો એ છે કે નાના દોઢથી બે વર્ષના બાળકો પણ રામ નામની ધૂન પર તાળીઓ વગાડતા અને જુમતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક બાળકો તો પરાણે તેમના માતા-પિતાને આ જગ્યા પર લાવે છે. બુકમાં નામ નામ લખાવે છે અને આ બુક ઘરે લઈ જઈને પણ બાળકોની સાથે તેમના માતા-પિતા પણ રામ નામ લખીને રામ નામનો જાપ કરે છે. 

બાળકો રામ નામ લખે છે તો તેના ફાયદા પણ વાલીઓને દેખાઈ રહ્યા છે અને બાળકોના માતા પિતા પણ કનુભાઈ વઘાસિયાને કહેવા માટે આવે છે કે જ્યારથી બાળકે રામ નામ લખવાનું અને રામ નામના જાપ કરવાનું શરૂ કર્યું છે. ત્યારથી તેનો મોબાઇલ પ્રત્યેનો લગાવ દૂર થયો છે અને તેનામાં વિનમ્રતાના ગુણ પણ આવી રહ્યા છે. 

સુરતમાં બાળકોને મોબાઇલની લત છોડાવવા રામ નામનો અનોખો યજ્ઞ, વાલીઓને જોવા મળ્યા ફાયદા 3 - image

મહત્વની વાત એ છે કે શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ કનુભાઈના આ રામ નામના યજ્ઞમાં જોડાયા છે. યોમિન આજરા નામનો એક બાળક પ્રતિદિન પોતાની સેવા આપવા માટે મોહન ગાર્ડનમાં આવે છે અને સાંજના પાંચ વાગ્યાથી તે આ રામ નામના યજ્ઞમાં જોડાય છે. 

યોમીને જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં લોકો ભગવાનના નામથી દૂર જઈ રહ્યા છે અને એટલા માટે લોકોને રામ નામમાં રુચિ જગાડવી ખૂબ જ જરૂરી છે. એટલા માટે તેઓ બાળકોને રમવાની કારમાં રામ નામ લખનાર બાળકને ફ્રીમાં રાઉન્ડ આપે છે. જેથી કરીને કાર ચલાવવા માટે બાળક રામ નામ લખે અને ત્યારબાદ બાળક પોતે રામ નામની ભક્તિ તરફ આગળ વધે છે. 

યોમિન આજરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લોકો ભગવાનના મંદિરે જાય છે પરંતુ તેમના નામનો જપ કરતા નથી અને આજના સમયમાં આ સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે ભગવાન ખુદ કહે છે કે મારા કરતાં મારું નામ મોટું છે. ત્યારે આપણે મંદિરે જઈએ છીએ પરંતુ ભગવાનનું નામ નથી જપતા. અત્યારની પેઢીને મોબાઈલનું ભૂત ચડ્યું છે અને નાના બાળકો પણ મોબાઈલ આપીએ છીએ તો રડતા બંધ થઈ જાય છે અને મોબાઈલ આપવાથી બાળક જમવા લાગે છે અને આ તમામ બાબતો ખૂબ દુઃખની છે. જે બાળકો નાનપણથી મોબાઇલમાં પડ્યા રહે છે તે ભગવાનનું નામ જપે તેવા હેતુથી અમે આ કામ કર્યા છે અને બાળકો જ્યારે ગાડીમાં બેસે છે અને રામનું નામ લખે છે અને ભગવાનની બુક પણ ઘરે લઈ જાય છે. 

ઘણા બાળકોના મમ્મી પપ્પા ના પાડે છે કે બુક ઘરે નથી લઈ જાવી ત્યારે બાળક પરાણે બુક લઈ જાય છે અને તે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. કારણ કે બાળક સામેથી ભગવાનનું નામ જપે તો ખૂબ સારી વાત કહેવાય. જ્યારે બાળકના માતા પિતા બુક દેવા માટે આવે છે ત્યારે કહે છે કે આ બુક લખવાથી ખૂબ સારું થયું છે. કારણકે બાળક જે સમય મોબાઇલ અને ટીવી પાછળ કાઢતું હતું તે હવે આ બુકમાં રામ નામ લખવા પાછળ કાઢી રહ્યા છે અને તેનાથી તે ભગવાનનું નામ જપ કરે.

યોમીન આજરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લોકો વર્તમાન સમયમાં ઘણા વ્યસનો તરફ આગળ વધી રહ્યા છે. લોકોને ટેન્શનના કારણે રાત્રે નીંદર ન આવે તો લોકો વ્યસન કરે છે પરંતુ આ લોકો જો રામનું નામ લે તો આ વ્યસનથી દૂર થઈ શકે છે અને રામનું નામ લેવાથી તેમને મનમાં રહેલા તમામ વિચારો પણ દૂર થાય છે અને સારી નીંદર પણ આવે છે.



Google NewsGoogle News