લગ્નજીવનની અનોખી શરૂઆત : જામનગરના નવદંપતિએ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી લીધા લગ્નના ચાર ફેરા
Unique Wedding in Jamnagar : શિયાળાની ફુલગુલાબી ઠંડી શરૂ થતાં સાથે ચારેય તરફ લગ્ન પ્રસંગોનો માહોલ જામ્યો છે. તાજેતરમા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સનાળા ગામમાં એક અનોખો લગ્ન પ્રસંગ સંપન્ન થયો હતો. લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટીની પુત્રીએ સાથે લગ્નગ્રંથીથી જોડાતાં પહેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી આશીર્વાદ લીધા હતા.
સનાળા ગામના લેઉવા પટેલ સમાજના મેદાનમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી નવદંપતિએ પોતાના લગ્નજીવનની શરૂઆત કરીને પટેલ સમાજને એક નવો રાહ ચીંધ્યો છે. સરદાર પટેલના વિચારો અને કાર્યોથી પ્રેરિત થઈને આ નવદંપતિએ લગ્નના દિવસે સરદાર પટેલને નમન કરીને સમાજ સેવા કરવાનો સંકલ્પ લીધો છે. સનાળા ગામના લેઉવા પટેલ સમાજમાં આ અનોખા લગ્ન પ્રસંગે સમગ્ર સમાજમાં ઉત્સાહની લહેર ફરી વળી હતી. આ અનોખા લગ્ન પ્રસંગમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ સરદાર પટેલ બોર્ડિંગ રાજકોટના ટ્રસ્ટી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.