Get The App

સુરતમાં યોજાયા અનોખા લગ્ન : સાયબર ફ્રોડ જાગૃતિના બેનર સાથે વર-કન્યાએ લીધા સાત જન્મોના ફેરા

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
સુરતમાં યોજાયા અનોખા લગ્ન : સાયબર ફ્રોડ જાગૃતિના બેનર સાથે વર-કન્યાએ લીધા સાત જન્મોના ફેરા 1 - image


Surat Unique Wedding : હાલના સાંપ્રત સમયમાં આધુનિક ટેકનોલોજીના માધ્યમથી થતા અપરાધો એટલે સાયબર ક્રાઇમ. આ ક્રાઇમનો ભોગ કોઈ નાગરિક ન બને તેમજ આ મુદ્દે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી સરકાર અને પોલીસ દ્વારા અનેક પ્રયાસ કરવામા આવી રહ્યાં છે તેમ છતાં આવા ગુનાઓ અટકવાનું નામ લેતા નથી ત્યારે સુરતના અબ્રામા વિસ્તારમાં એક સામાજિક કાર્યકરની દરમિયાનગીરી એક લગ્ન પ્રસંગમાં સાયબર ક્રાઇમથી બચવા માટે જાનૈયાઓ સહિત અનેક લોકોને સાયબર ક્રાઇમથી બચવા માટે જાગૃત કરવામાં આવી હતી. લગ્ન પ્રસંગે અચાનક આવા પ્રયાસથી લગ્નમાં સહભાગી બનનારાઓને સુખદ આશ્ચર્ય થયું હતું અને તેઓએ સ્વ જાગૃત્તિનો સંકલ્પ લીધો હતો. 

ટેકનોલોજીમાં આવેલી અભુતપુર્વ ક્રાંતિ બાદ લોકોની આંગળીના ટેરવેથી અનેક માહિતી મેળવી રહ્યા છે. ટેકનોલોજીના કારણે સુવિધામાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ ચોરો પણ ડિજીટલ બન્યા છે અને તાળા તોડવા કે ખિસ્સા કાપવાના બદલે ડીજીટલ ફ્રોડ કરી લોકોના બેંક બેલેન્સ ખાલી કરી રહ્યાં છે. હાલમાં કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપિંડી થઈ રહી છે. તેનાથી લોકોને બચાવવા માટે સાયબર સંજીવની અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે કેસમાં થોડો ઘટાડો થયો છે પરંતુ હજી પણ કિસ્સા બંધ થતા નથી અને અનેક લોકો છેતરાઈ રહ્યાં છે.

 સુરતમાં યોજાયા અનોખા લગ્ન : સાયબર ફ્રોડ જાગૃતિના બેનર સાથે વર-કન્યાએ લીધા સાત જન્મોના ફેરા 2 - image

પોલીસ અને સરકાર સાથે સાથે હવે કેટલાક સમાજ સેવકો દ્વારા પણ સાયબર ક્રાઇમથી લોકોને બચાવવા માટે અનોખી રીતે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે સુરતના અબ્રામા વિસ્તારમાં એક અનોખો લગ્ન યોજાયા હતા. જેમાં લગ્નમાં વર-કન્યાને આર્શીવાદ આપવા સાથે સાથે લોકોને સાયબર ફ્રોડથી બચાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વર-કન્યાએ વરમાળા પહેરીને સાયબર જાગૃતિ માટેના પોસ્ટર હાથમાં લઈ ફોટો શેશન પણ કર્યું હતું. 

આ અંગે માહિતી આપતાં સામાજિક કાર્યકર નિલેશ જીકાદરાએ કહ્યું હતું, સાંપ્રત સમયમાં જ્યારે સાયબર છેતરપીંડીના કેસો અવારનવાર આપણી આસપાસ બનતા જોઈ રહ્યા છીએ ત્યારે આપણે સાયબર ફ્રોડનો શિકાર બનીએ અને પછી જાગીએ એના કરતા પાણી આવે એ પહેલા પાળ બાંધવા આ પ્રેરણાદાયક વિચાર યોગ્ય છે. 

આ માટે સુરત ખાતે મોટા વરાછા અબ્રામા રોડ પર આવેલ કરમશીબાપા આશ્રમ ખાતે વ્યાસ પરિવારને આંગણે દીકરી અપુર્વા અને દિ૫કનાં લગ્ન થયાં હતા. જેમાં ગોંડલીયા પરિવારના સૌ જાનૈયાઓ, માંડવીયાઓ સહિત સૌ સ્નેહિજ્નોને સાયબર છેતરપિંડીથી બચવાના અલગ-અલગ ઉપાય વિશે માહિતગાર કરતા પોસ્ટર બનાવીને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો. સાયબર ફ્રોડથી બચવા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ એટલે સ્વજાગૃતિ તેવું કહી લોકોને જાગૃત કર્યા હતા. આ ઉપરાંત "સાવચેતી એજ સલામતી" - આ કહેવતને ખરા અર્થમાં સાર્થક કરી પ્રેરણાદાયક મેસેજ આપતા યજમાન પરિવારના આ પ્રયોગથી અનેક મહેમાનોએ સાયબર ક્રાઇમથી બચવા માટેનો સંકલ્પ કર્યો હતો.


Google NewsGoogle News