જીસેક કચેરીએ એકત્ર બેરોજગાર યુવકોનો ભારે સૂત્રોચાર-ધરણા
Vadodara MGVCL Protest : ગુજરાત સરકારની ઈલેક્ટ્રિસિટી કંપની જીસેક( ગુજરાત સ્ટેટ કોર્પોરેશન લિમિટેડ)માં હેલ્પરોની 800 જગ્યાઓ ભરવાની માગ સાથે 200 જેટલા ઉમેદવારોએ ભૂખ હડતાળ શરુ કરી છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા આ ઉમેદવારોએ સવારથી ભૂખ હડતાળ શરુ કરી હતી. જોકે કંપની સત્તાધીશોએ સાંજે પાંચ વાગ્યા સુધી પણ તેમના કોઈ પ્રતિનિધિને મળવા માટે બોલાવ્યા નહોતા. આ ઉમેદવારોએ કહ્યું હતું કે, જ્યાં સુધી કંપની સત્તાધીશો ભરતી માટે પરીક્ષા લેવાની ખાતરી નહીં આપે ત્યાં સુધી અમારી ભૂખ હડતાળ ચાલુ રહેશે. અમે અહીંથી ઉઠવાના નથી.
ઉલ્લેખનીય છે કે, ઉમેદવારોએ તા.3 માર્ચના રોજ પણ વડોદરા ખાતે જીસેક કંપનીની હેડ ઓફિસની બહાર દેખાવો કર્યા હતા.એ પછી સરકારમાં પણ રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો હતો. મુખ્યમંત્રીના આશ્વાસન પછી પણ કંપની દ્વારા ભરતી માટે પરીક્ષા લેવાની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી નથી.
જીસેકમાં છેલ્લા 25 વર્ષથી હેલ્પરોની ભરતી થઈ નથી. કંપની દ્વારા આઉટ સોર્સિંગ એજન્સીઓ થકી હેલ્પરોની કામગીરી કરાવવામાં આવી રહી છે. 2022માં હેલ્પરોની 800 જગ્યાઓ માટે પરીક્ષા લેવાનુ જાહેરનામુ બહાર પડાયું હતુ અને 5500 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા પરંતુ એ પછી હજી સુધી પરીક્ષા લેવામાં આવી નથી. આ ઉમેદવારો છેલ્લા એક મહિનાથી ભરતી માટે આંદોલન ચલાવી રહ્યા છે.