બેકાર બનેલો રત્નકલાકાર પિસ્તોલ વેચવા નીકળ્યો, પોલીસે વરાછામાં પકડયો
શોખ માટે સાત મહિના અગાઉ પિસ્તોલ ઉત્તરપ્રદેશથી લાવ્યો હતો
હાલમાં બેકારીને લીધે ગામડેથી પિસ્તોલ, ત્રણ કારતુસ વેચવા લાવ્યો હતો
- શોખ માટે સાત મહિના અગાઉ પિસ્તોલ ઉત્તરપ્રદેશથી લાવ્યો હતો
- હાલમાં બેકારીને લીધે ગામડેથી પિસ્તોલ, ત્રણ કારતુસ વેચવા લાવ્યો હતો
સુરત, : હીરાબજારમાં મંદીને પગલે હાલ બેકાર બનેલો રત્નકલાકાર પિસ્તોલ વેચવા ફરતો હતો ત્યારે વરાછા પોલીસે તેને અશ્વનીકુમાર રોડ ફુલ માર્કેટ બ્રિજથી તાસની વાડી ઝુપડપટ્ટી તરફ જતા રોડ ઉપરથી ઝડપી પાડી તેની પાસેથી પિસ્તોલ અને ત્રણ જીવતા કારતુસ કબજે કર્યા હતા,
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ દેહાભાઈ અને જીગ્નેશભાઈ નાનજીભાઈને મળેલી બાતમીના આધારે વરાછા પોલીસે અશ્વનીકુમાર રોડ ફુલ માર્કેટ બ્રિજથી તાસની વાડી ઝુપડપટ્ટી તરફ જતા રોડ ઉપરથી લાલજીભાઈ ઉર્ફે લાલો ચીથરભાઈ પરમાર ( ઉ.વ.21, રહે.ચામુંડા પાન પાર્લરની ઉપર પાંચમા માળે, પતરાવાળી રૂમમાં, ઘનશ્યામનગર શેરી નં.13, લંબે હનુમાન રોડ, વરાછા, સુરત. મૂળ રહે.ફરેડા ગામ, તા.ગીર ગઢડા, જી.ગીર સોમનાથ ) ને રૂ.10 હજારની મત્તાની પિસ્તોલ અને રૂ.300 ની મત્તાના ત્રણ જીવતા કારતુસ સાથે ઝડપી લીધો હતો.
રત્નકલાકાર તરીકે કામ કરતા પણ હાલ બેકાર લાલજીની પોલીસે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેને હથિયાર રાખવાનો શોખ હોય સાત મહિના અગાઉ તે ઉત્તરપ્રદેશના માલસરથી પિસ્તોલ અને ચાર કારતુસ લઈને આવ્યો હતો અને તે તેણે વતનમાં રાખ્યા હતા.જોકે, હાલ બેકાર બનતા તેને વેચવા માટે તે વતનથી સુરત લાવ્યો હતો અને વેચવા માટે ફરી રહ્યો હતો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો.તેણે એક કારતુસ પડી ગયાનું પોલીસને જણાવ્યું હતું.વરાછા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.