અટલાદરા અને કલાલીમાં ચાર સ્થળો પર વીજ કંપનીનો અન્ડર ગ્રાઉન્ડ કેબલ કપાયો
વડોદરાઃ વડોદરા ગેસ કંપની દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગેસ લાઈનો નાંખવા માટે કામગીરી ચાલી રહી છે.આ દરમિયાન અટલાદરા અને કલાલી વિસ્તારમાં ચાર સ્થળોએ મધ્ય ગુજરાત વીજ કંપનીનો અન્ડર ગ્રાઉન્ડ કેબલ કપાઈ જતા ૨૦૦૦૦ જેટલા જોડાણો પર વીજ પુરવઠો ખોરવાયો હતો.લગભગ ૮૦૦૦૦ લોકો તેના કારણે બે કલાક સુધી હેરાન થયા હતા.
વીજ કંપનીના સૂત્રોનું કહેવું છે કે, વડોદરા ગેસ કંપનીના કોન્ટ્રાકટરો શ્રમિકોને લાઈન નાંખવા માટે ખાડા ખોદવાની જગ્યાઓ બતાવી દે છે.જોકે આ કામગીરી દરમિયાન કોન્ટ્રાકટર કે તેના સુપરવાઈઝર હાજર નથી હોતા અને ઘણી જગ્યાએ શ્રમિકો માર્ગદર્શનના અભાવે આડેધડ ખોદકામ કરે છે.
મધ્ય ગુજરાત વીજ કંપનીએ વીજ ફીડરો સુધી વીજ પુરવઠો પહોંચાડવા માટે શહેરમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલો નાંખ્યા છે.અટલાદરા અને કલાલી વિસ્તારમાં આજે ગેસ કંપનીના કોન્ટ્રાકટરો દ્વારા થયેલા ખોદકામ દરમિયાન ચાર સ્થળોએ કેબલ કપાતા બે કલાક સુધી વીજળી ગાયબ રહી હતી.
વીજ કંપનીના સૂત્રોનું કહેવું છે કે, કઈ જગ્યાએથી કેબલ પસાર થાય છે તેની જાણકારી ખોદકામ પહેલા આપી શકાય તે માટે વીજ કંપનીના અધિકારીઓ તેમજ ગેસ કંપનીના અધિકારીઓના સંકલન માટે વોટસએપ ગુ્રપ પણ બનાવવામાં આવ્યું છે.આમ છતા ગેસ કંપનીના કોન્ટ્રાકટરો ખોદકામ શરુ કરતા પહેલા જાણકારી મેળવવાની તસદી લેતા નથી અને તેના કારણે કેબલ કપાય છે.ઉપરાંત વીજ કંપનીને અન્ડર ગ્રાઉન્ડ કેબલ રિપેર કરવામાં હજારો રુપિયાનો ખર્ચ પણ થાય છે.