રાવળીયાવદરની સીમમાં બેફામ રેતી ચોરી, વોશ પ્લાન્ટ બંધ કરવા રજૂઆત
- ભૂમાફિયાઓએ ચેક ડેમ પણ તોડી નાંખ્યો
- વોશ પ્લાન્ટમાંથી નીકળતા ડમ્પરોના ચાલક ગામમાંથી બેફામ હંકારતા અકસ્માતનો ભય
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામની સીમમાં ગેરકાયદે રેતીની ખનીજ ચોરી થતી હોવાની રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આથી ગામના સ્થાનિક રહિશએ રેતીનું ખનન બંધ કરાવવા મામલતદારને લેખિત રજૂઆત કરી છે. તાલુકામાં રેતી ચોરીનો કારોબાર ચિંતાજનક વધી રહ્યો છે. સરકાર રોયલ્ટીની કરોડોની આવક ગુમાવી રહી છે.
ધ્રાંગધ્રાના રાવળીયાવદર ગામથી ખોડીયાર માતાજીના મંદિર સુધીમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતેના અનેક વોશ પ્લાન્ટ ચાલી રહ્યાં છે. જેમાંથી ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતીચોરી કરવામાં આવી રહી છે. ભૂમાફિયાઓએ સરકાર દ્વારા બનાવવામાં આવેલ ચેક ડેમ પણ તોડી નાંખવામાં આવ્યો છે. ગામમાંથી દરરોજના અંદાજે ૩૦થી વધુ ડમ્પરો આ વોશ પ્લાન્ટમાંથી રેતી ભરીને નીકળે છે જેમાં કોઈ નંબર પ્લેટ પણ હોતી નથી અને ડ્રાઈવર પુરપાટ ઝડપે ચલાવતા હોવાથી અકસ્માત થવાનો પણ ભય સતાવી રહ્યો છે. જે અંગે સ્થાનીક જાગૃત નાગરિક રાજેશભાઈ સારલાએ અગાઉ પણ બે વખત ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લા પોલીસવડા અને સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગને રજૂઆતો કરી હોવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં ન આવતાં ફરી મામલતદારને લેખીત રજૂઆત કરવામાં આવી છે.