Get The App

વડોદરા નજીક લક્ષ્મીપુરા ગામે ભત્રીજાને છોડાવવા વચ્ચે પડેલા કાકાની હત્યા

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
વડોદરા નજીક લક્ષ્મીપુરા ગામે ભત્રીજાને છોડાવવા વચ્ચે પડેલા કાકાની હત્યા 1 - image


Vadodara Murder Case : વડોદરા શહેર નજીકના લક્ષ્મીપુરા ગામમાં આવેલા ગલ્લા પર નાસ્તાના પેકેટ લેવા ગયેલા યુવક સાથે ગામમાં જ રહેતા ચાર યુવકોએ ઝઘડો શરૂ કર્યો હતો. તે દરમિયાન યુવકના કાકા આવી જતા તેઓ ભત્રીજાને છોડાવવા વચ્ચે પડયા હતા.  હુમલાખોરોએ કાકાના પેટમાં ગુપ્તી મારી દેતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા. તાલુકા પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી ચાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

 શહેર નજીક લક્ષ્મીપુરા ગામે રહેતો સંજય સુરેશભાઇ સોલંકી (ઉં.વ.22) ખાનગી સંસ્થામાં નોકરી કરે છે. ગઇકાલે રાતે સાડા આઠ વાગ્યે તે લક્ષ્મીપુરા ગામે પાદરા-વડોદરા જતા રોડની સાઇડમાં વિઠ્ઠલભાઇના પાનના ગલ્લા પર નાસ્તાના પેકેટ લેવા ગયો હતો. તે દરમિયાન આ જ ગામમાં રહેતા આરોપીઓ (1) વિજય જગદીશભાઇ સોલંકી (2) યશપાલ હસમુખભાઇ સોલંકી (3) અજય ગણપતભાઇ સોલંકી તથા (4) કમલેશ લક્ષ્મણભાઇ સોલંકી આવ્યા હતા. તેઓએ સંજય સાથે તકરાર શરૂ કરી હતી. દરમિયાન આરોપી વિજય સોલંકીએ ગુપ્તી વડે સંજયના પગ પર ઇજા પહોંચાડી હતી. તેમજ નિલેશ પઢિયારને હાથમાં પહેરેલું કડું માથામાં મારી દીધું હતું. મારામારી જોઇને સંજયના કાકા મહેશભાઇ હરમાનભાઇ સોલંકી (ઉં.વ.40) દોડી આવ્યા હતા. ભત્રીજાને છોડાવવા માટે તેઓ વચ્ચે પડયા હતા. યશપાલ, અજય તથા કમલેશે કાકા મહેશભાઇને પકડી રાખ્યા હતા. જ્યારે વિજયે તેઓના પેટમાં ગુપ્તીનો ઘા મારી દીધો હતો. જેથી, મહેશભાઇ ત્યાં જ ઢળી પડયા હતા. આરોપીઓ ભત્રીજા સંજયને જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયા હતા.

 ઇજાગ્રસ્ત મહેશભાઇને સારવાર માટે પાદરા સી.એચ.સી. ખાતે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું. તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આર.આર.મિશ્રાએ આ અંગે મર્ડરનો ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


Google NewsGoogle News