નાયબ કાર્યપાલક ઇજનેરોના પડતર પ્રશ્નો ઉકેલવા દેવદિવાળી સુધીનું અલ્ટીમેટમ

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News

- અનિયમિત ભરતી-બઢતીના મુદ્દે આવેદનપત્રમાં રજૂઆતઃ દેવદિવાળી બાદ ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન 

 સુરત

સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતના પાણી પુરવઠા બોર્ડ અને કલ્પસર ગુજરાતના સરકારી એન્જીનીયરોએ પડતર પ્રશ્નોને લઇને લડતના મંડાણ કર્યા છે.વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિત રાજયના મંત્રીઓને આવેદનપત્ર પાઠવીને માંગણીઓનો હકારાત્મક ઉકેલ માટે દેવ દિવાળી સુધીનું અલ્ટીમેટમ આપ્યુ છે.

વાપી થી તાપી સુધી ફરજ બજાવતા સને ૨૦૦૦ થી ૨૦૧૩ સુધીના મદદનીશ ઇજનેર તરીકે નિમણુંક પામેલા અને નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે બઢતી પામેલા એન્જીનીયરોએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાજયના મુખ્યમંત્રીને સંબોધીને આપેલા આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી કે અનિયમિત ભરતી અને બઢતીના લીધે સિનીયોરીટીના ભંયકર પ્રશ્નો આજદિન સુધી ઉપસ્થિત થતા આવ્યા છે. સને ૨૦૦૩ પછી સીધી ભરતી ૨૦૧૯ માં આશરે ૧૫ વર્ષ પછી કરવામાં આવી અને તે પણ માસ રીકયુટમેન્ટ હોવાથી સિનીયોરીટીના પ્રશ્નો ઉભા થયા છે. છેલ્લા ઘણા વર્ષોમાં વિભાગનું બજેટ અને કામગીરીમાં અતિશય વધારો થયો છે. પરંતુ તેની સામે સ્ટાફ તો એટલોને એટલો જ છે. એમાંય અમુક કેડરોની જગ્યા ખાલી હોવાથી કામગીરી ઇન્ચાર્જથી ચાલી રહી છે. આથી હયાત ભરતીના નિયમોમાં  જરૃરી માળખાકીય ફેરફાર કરવામાં આવે.આ સિવાય અન્ય પ્રશ્નો બાબત રજુઆત કરીને આગામી દેવદિવાળી સુધી પડતર પ્રશ્નોનો નિકાલ નહીં થાય તો દેવ દિવાળીથી ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી.


Google NewsGoogle News