ઉકાઇ ડેમની સપાટી 309.06 ફુટે સ્થિરઃ શુક્રવારથી ફરી વરસાદની આગાહી
સુરત જિલ્લામાં મેઘરાજાના વિરામ વચ્ચે આજે આખો દિવસ તાપ પડતા સુરત શહેરનું તાપમાન એક ડિગ્રી વધીને ૩૩.૩ ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ઉકાઇ ડેમમાં પણ પાણીની આવક ઘટતા સપાટી ૩૦૯.૦૬ ફુટ પર સ્થિર થઇ હતી. આગામી શુક્રવારથી ફરી વરસાદની આગાહી કરાઇ છે.
પાણીની આવક ઘટીને 600 ક્યુસેક : મેઘરાજાના વિરામ વચ્ચે સુરતમાં તાપમાન એક ડિગ્રી વધીને 33.3 ડિગ્રી
હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ આજે સુરતનું અધિકતમ તાપમાન ૩૩.૩ ડિગ્રી, લઘુતમ તાપમાન ૨૭.૫ ડિગ્રી હવામાં ભેજનું પ્રમાણ ૭૯ ટકા, હવાનું દબાણ ૦૯૯૮.૭ મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના છ કિ.મી ની ઝડપે પવન ફુંકાયા હતા. આજે સુરત શહેર અને જિલ્લામાં વરસાદે સંર્પુણ આરામ ફરમાવ્યો હતો. અને આખો દિવસ આકાશમાં સૂર્યદેવતા ચમકતા રહ્યા હતા.
હવામાન વિદોના જણાવ્યા મુજબ આગામી શુક્રવારથી ફરી હળવાથી મધ્યમ વરસાદ અને ત્યારબાદ ભારે વરસાદની આગાહી કરાઇ છે. દરમ્યાન ઉકાઇ ડેમના કેચમેન્ટમાં પણ વરસાદ બંધ રહેતા પાણીની આવક ઘટીને ૬૦૦ કયુસેક નોંધાઇ હતી. અને ૬૦૦ કયુસેક પાણી સિંચાઇ માટે છોડવામાં આવતા ઉકાઇ ડેમની સપાટી ૩૦૯.૦૬ ફુટ પર સ્થિર રહી છે. દરમ્યાન ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી શુક્રવારથી ફરી વરસાદની આગાહી કરાઇ છે. શુક્રવાર સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસશે. ત્યારબાદ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.