ઉકાઇ ડેમની સપાટી 12 કલાકમાં અડધો ફુટ વધી, 22000 ક્યુસેક ઇન્ફ્લો
- ડેમના કેચમેન્ટ એરિયામાં બે ઇંચ સુધી વરસાદઃ સુરત સિટી અને ગ્રામ્યમાં વરસાદનો વિરામ
સુરત
સુરત જિલ્લામાં વરસાદના વિરામ વચ્ચે ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વરસી રહેલા વરસાદ અને હથનુર ડેમમાંથી સતત પાણી છોડાતા આજે આખો દિવસ પાણીની આવક ચાલુ રહેતા ૧૨ કલાકમાં સપાટીમાં અડધો ફુટનો વધારો થઇને ૩૦૮.૪૪ ફુટ નોંધાઇ હતી.
સુરત શહેર અને જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે આજે દિવસના આકાશમાં મિશ્ર હવામાન નોંધાયુ હતુ. કયારેક તાપ પડતો હતો. તો કયારેક એકદમ આકાશ વાદળોથી ધેરાવાની સાથે એકાચાર થતુ નજરે પડયુ હતુ. પરંતુ કયાંય વરસાદ નોંધાયો ના હતો. દરમ્યાન સુરત જિલ્લામાં વરસાદના વિરામ વચ્ચે ઉકાઇ ડેમના કેચમેન્ટમાં મેઘ મહેર જોવા મળી હતી. જેમાં નરને માં બે ઇંચ, સેલગાવ અને દુસખેડામાં દોઢ ઇંચ વરસાદ સહિત ૫૨ રેઇનગેજ સ્ટેશનમાં છુટોછવાયો વરસાદ વરસતા વિતેલા ૨૪ કલાકમાં ૨૦૦ મિ.મિ વરસાદ નોંધાયો હતો.તો હથનુર ડેમમાંથી સતત ૧૫ હજાર કયુસેક પાણી છોડવાનું ચાલુ રાખ્યુ હતુ. જયારે પ્રકાશા વિયરમાંથી ૧૭ હજાર કયુસેક પાણી છોડાતુ હતુ. આ બન્નેનું પાણી ભેગુ થઇને ઉકાઇ ડેમમાં આજે દિવસના ૧૭ હજાર કયુસેકથી ૨૨ હજાર કયુસેક ઇનફલો આવ્યો હતો.
પાણીની આવક ચાલુ રહેતા સવારે છ વાગ્યે ઉકાઇ ડેમની સપાટી ૩૦૭.૯૯ ફુટ નોંધાઇ હતી. જે સાંજે છ વાગ્યે થતા ૧૨ કલાકમાં સપાટીમાં અડધો ફુટનો વધારો થઇને ૩૦૮.૪૪ ફુટ નોંધાઇ હતી. આમ ઉકાઇ ડેમની સપાટી ધીરેધીરે વધારો થઇ રહ્યો છે.