વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ: બ્રિટનના પીએમ ઋષિ સુનકને સંતોએ હનુમાનજીની પ્રતિમા ભેટ આપી
VadtalDham Dwishatabdi Mahotsav: બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને સારંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી સહિત સંતોએ શ્રી હનુમાનજીની પ્રતિમા અર્પણ કરી હતી. આ પ્રતિમાનો સહર્ષ સ્વીકાર કરતા સુનકે કહ્યું હતું કે ‘હનુમાન ચાલીસાના પાઠ કરતી વખતે આ મૂર્તિ હું મારી સાથે રાખીશ.’ સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થ વડતાલ ધામને 200 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ પ્રસંગે દેશવિદેશમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળે છે. આ દરમિયાન બ્રિટનના હેરોમાં આવેલા કચ્છ સ્વામિનારાયણ મંદિરમાં શ્રી લક્ષ્મી નારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ યોજાયો હતો, જેમાં વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સંત સ્વામી અને માધવપ્રિય સ્વામી, છારોડીએ ઋષિ સુનકને ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.
કચ્છ સ્વામિનારાયણ મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વાગત સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'મને ભગવાન અને સંતોના આશીવાર્દ મળ્યા. મારો ઉછેર મંદિરના ઉષ્માભર્યા વાતાવરણમાં થયો છે. મને લાગે છે કે,આપણને બધાને ભગવાન જોઈ રહ્યા છે.' આ મહોત્સવમાં બોબ બ્લેકમેન પણ ઉપસ્થિત હતા. તેમણે કહ્યું હતું કે, ‘આ વડાપ્રધાન સતત તમારા સહુ માટે કામ કરે છે.’
ડો સંત સ્વામીએ જણાવ્યું હતું કે, 'આજે બ્રિટનના વડાપ્રધાન હોવા છતા હિન્દુ હોવાનું ગર્વ પૂર્વક જાહેરમાં સ્વીકારતા સુનક આજના યુવાનોના આઈકોન હોવા જોઈએ' અંતે સંતો-ભક્તો સાથે સેલ્ફી લઈને સુનકે વિદાય લીધી હતી.