Get The App

નોટિસ અને સિલિંગનું હથિયાર ઉગામી કોર્પોરેશને રૃા.૧૧ કરોડનો વેરો વસૂલ્યો

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
નોટિસ અને સિલિંગનું હથિયાર ઉગામી કોર્પોરેશને રૃા.૧૧ કરોડનો વેરો વસૂલ્યો 1 - image


મિલકત વેરાની કુલ આવક ૬૪.૧૪ કરોડ સુધી પહોંચી

હજી પણ બાકી ૨૫ ટકા વેરો વસૂલવા માટે નોટિસની કામગીરી ચાલુ ઃ ૨૫.૮૦ કરોડનો વેરો ઓનલાઈન ભરાયો

ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે મિલકત વેરાની વસુલાત માટે નોટિસ અને સીલીંગનું હથિયાર ઉગામીને વધુ ૧૧ કરોડનો વેરો વસુલી લેતા વેરાની કુલ આવક ૬૪.૧૪ કરોડ રૃપિયા સુધી પહોંચી ગઈ છે અને આગામી દિવસમાં પણ વધુ કડક વસુલાત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરાની કડક વસૂલાતના ભાગરૃપે ૧ લાખથી વધુની રકમ બાકી હોય તેવા ૬૩૯ બાકીદારોને પ્રથમ અને આખરી નોટીસ આપીને ૧૧ કરોડનો વેરો વસૂલવામાં આવ્યો છે. આખરી નોટીસ બાદ પણ મિલકત વેરાની ભરપાઇ કરી ન હોય તેવા ૩૮ મિલકતધારકો સામે જપ્તી વોરંટ ઇસ્યુ કરી મિલકતો સીલ કરવામાં આવી છે. મિલકતવેરાની ૭૫ ટકાથી વધુ વસુલાત થતા બાકીના ૨૫ ટકા બાકીદારો પાસેથી વસુલાત માટે નોટીસ આપી સિલીંગ અને ટાંચ જપ્તીની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.એપ્રિલથી અત્યારસુધીમાં કુલ ૧.૧૧ લાખ મિલકતધારકો દ્વારા ૬૪.૧૪ કરોડ રૃપિયાનો મિલકત વેરો ભરવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષથી મિલકતવેરાનું નવું સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે જેમાં ઓનલાઈન મિલકત વેરો ભરી શકાતો હોવાથી વસૂલાતમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તેમજ મિલકતવેરાની તમામ પ્રકારની અરજીઓ પણ ઓનલાઇન માધ્યમથી નવીન સોફ્ટવેરમાં સ્વીકારવામાં આવે છે. મિલકત વેરાની કુલ વસૂલાતના ૪૦ ટકા ઓનલાઇન વેરો ભરાયો છે. ૫૫૧૪૩ મિલકતધારકોએ ૨૫.૭૯ કરોડનો વેરો ઓનલાઇન ભર્યો છે. જ્યારે ૫૬,૭૬૯ મિલકતધારકોએ ૩૮.૩૫ કરોડનો મિલકત વેરો ઓફલાઇન ભર્યો છે. તો બીજી બાજુ અગાઉના જુના બાકીદારો પાસેથી પણ વેરો વસૂલવા માટે ખાસ ઝુંબેશ શરૃ કરવામાં આવી છે અને તેમની પણ અલગથી યાદી તૈયાર કરીને નોટિસો આપવામાં આવી રહી છે.


Google NewsGoogle News