પાન મસાલો ખાઈ પરત આવી રહેલા બે યુવકને હાથબ નજીક કાળમુખું ડમ્પર ભરખી ગયું
- રસ્તે રખડતું મોત : ગોહિલવાડ પંથકમાં 8 દિવસમાં 8 લોકોના મોત
- લાખણકા રોડ પર ડમ્પરે બે નેપાળી યુવાનને અડફેટે લેતાં અકસ્માત, ડમ્પર ચાલક ફરાર, પોલીસ ફરિયાદ નોંધાઈ
ભાવનગર પંથકમાં ડમ્પર ટ્રક જાણે કે, યમદૂત બન્યા હોય તેમ ડમ્પર સાથે અકસ્માતની ઘટનામાં માનવ જિંદગીઓ હોમાઈ રહી છે. ભાવનગર પંથકમાં છેલ્લા આઠ દિવસથી ડમ્પર વાહનમાં જાણે કે કાળ પ્રવેશ્યો હોય તેમ ત્રાપજ અને ગારિયાધારની અકસ્માતની બે અલગ-અલગ ઘટનામાં આઠ વ્યક્તિઓના મોત થયાની ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. હાથબ નજીક યમદૂત બનીને ફરતા ડમ્પરે વધુ બે યુવાનના જીવ ભરખી લીધા છે. અકસ્માતની આ ઘટના અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગત મોદી રાત્રે સર્જાયેલ અકસ્માતની વિગત એવી છે કે, મૂળ નેપાળના વતની અને કોળીયાક ગામમાં આવેલ મૂળજીભાઈ ગોવિંદભાઈ જેઠવા (રહે. નવા રતનપર, તા. ભાવનગર)ની કોળીયાક ગામમાં આવેલ સદ્ગુરુ રેસ્ટોરન્ટમાં નોકરી કરતા અને રેસ્ટોરન્ટમાં જ રહેતા સન્ત બહાદુર લોકવીર કામી (ઉં.વ.૨૫) અને મહેન્દ્ર ધનબહાદુર દમાઈ (ઉં.વ.૨૪) ગઈકાલે રાત્રિના ૧૦.૩૦ કલાક આસપાસ તેમના શેઠનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાઇકલ નં.જી.જે.-૦૪ - બી.જે. - ૬૭૨૮ લઈને હાથબ ગામમાં પાન મસાલો ખાવા માટે ગયા હતા. તે દરમિયાન લાખણકા રોડ પરથી પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર નં.જી.જે.૦૪ - એ.ડબલ્યુ. ૭૯૮૪ના ચાલકે પોતાનું ડમ્પર પૂરપાટ ઝડપે ચલાવી બાઈક સાથે અકસ્માત કરતા બંને યુવાનોને હાથે, પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા બંનેના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યાં મોત નીપજ્યા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માત સ્થળ પર વિચલિત કરી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ અકસ્માતની ઘટના બાદ ડમ્પરનો ચાલક પોતાનું ડમ્પર મૂકી નાસી ગયો હતો. અકસ્માતની આ ઘટના અંગે મૃતક યુવાનોના મામા સચિન બીર બહાદુર બીકા (રહે. હાલ કોળીયાક, મૂળ વતન નેપાળ) એ ડમ્પરના ચાલક વિરુદ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મૃતક બંને યુવાનો થોડા દિવસ પહેલા કોળીયાક પેટયું રળવા માટે આવ્યા હતા
હાથબ ગામ નજીક અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામનાર બંને યુવાનો નેપાળમાં વતની હોવાનું તેમજ મૃતક સન્ત બહાદુર લોકવીર કામી છેલ્લા ૨૦ દિવસથી આ હોટલમાં કામ માટે આવ્યા હતા. સંત બહાદુરને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું તેમજ મહેન્દ્ર ધન બહાદુર છેલ્લા બે મહિના આ હોટલમાં કામ કરવા આવ્યો હતો અને સંતાનમાં તેને ચાર વર્ષની પુત્રી છે.